મુંબઈ: દેશભરમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. એવામાં સરકાર પાસે વેક્સીનેશનમાં વધારો કરવા સિવાય કોઈ બીજો ઉપાય નથી. બોલીવૂડ સ્ટાર્સ પણ વેક્સીનેશનમાં મોટાપાયે ભાગે લઈ રહ્યા છે. હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મલાઈકા અરોરાએ ફેન્સ સાથે વેક્સીન લેતા તસવીર પણ શેર કરી હતી. મલાઈકાએ લખ્યું, 'મે કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો. કોરોના સામેના જંગમાં જીત નોંધાવો. તમે પણ વેક્સીન લેવાનું ન ભૂલો. તમામનો આભાર.'



મહાનાયક અમિતાભ બચ્ચને એક દિવસ પહેલા જ કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. આ જાણકારી તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. તેમણે જણાવ્યું કે અભિષેક બચ્ચનને છોડી તેમના પરિવારના તમામ સભ્યોએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. 



અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં લખ્યું, લઈ લીધી, મે આજે બપોરે કોરોના વેક્સીન લઈ લીધી. બધુ ઠીક છે. તેમણે લખ્યું, 'ડન...વેક્સીન લઈ લીધી છે...બધુ ઠીક છે. મારો, પરિવાર અને સ્ટાફનો કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.'


મહારાષ્ટ્રમાં નોંધાયા કોરોનાના સૌથી વધુ કેસ 


 


મહારાષ્ટ્ર (Maharastra)માં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. રાજધાની મુંબઇ (Mumbai)માં ગુરુવારે 8646 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. નાગપુર જિલ્લામાં ગુરુવારે 24 કલાકમાં 3,630 નવા કેસ નોંધાયા છે અને 60 લોકોના મૃત્યુ થયા છે. નાગપુરમાં અત્યાર સુધીમાં 2,29,668 કેસ નોંધાયા છે અને 5.158ના મોત થયા છે. નાગપુર જિલ્લામાં કુલ 39,973કેસ એક્ટિવ છે.


 


દેશમાં આજે કોરોના વાયરસના 81,466 કેસ નોંધાયા 


 


 દેશમાં આજે કોરોનાના 81 હજાર 466 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા એક કરોડ 23 લાખ 3 હજાર 131 પર પહોંચી ગઈ છે.  આંકડા પ્રમાણે દેશમાં 2 ઓક્ટોબર 2020 ના રોજ એક જ દિવસમાં 81 હજાર 484 નવા કેસ નોંધાયા હતા. મોટી વાત એ છે કે ગઈકાલે 469 લોકોના મોત સંક્રમણના કારણે થયા હતા, ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખ 63 હજાર 396 થઈ ગઈ છે. આ અગાઉ 6 ડિસેમ્બરે 24 કલાકમાં  સંક્રમણથી 482 મોત નોંધાયા હતા.