Real Life Dimple Cheema: કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રા  (Vikram Batra) ની લાઈફ પર આધારિત ફિલ્મ શેરશાહ  (Shershaah) ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા  ​​​​(Sidharth Malhotra) અને કિયારા અડવાણી  (Kiara Advani) લીડ રોલની ભૂમિકામાં છે. ફિલ્મમાં જોવા મળે છે કે કઈ રીતે કેપ્ટને પોતાના અંતિમ શ્વાસ સુધી પોઈન્ટ  4875   મેળવવા માટે સંઘર્ષ કર્યો છે. આ ફિલ્મમાં કારગિલ યુદ્ધની સાથે સાથે કેપ્ટન વિક્રમ બત્રાની પ્રેમ કહાનીને પણ બતાવવામાં આવી છે. 


ફિલ્મની જેમ જ, બત્રા અને ડિંપલ ચીમા પોતાના કૉલેજના દિવસોમાં ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાં મળ્યા હતા. ડિમ્પલના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો, તેમ છતાં બંનેને પ્રેમ થયો અને તેમણે એકબીજા સાથે રહેવાના વાયદા કર્યા. એક વખત મનસા દેવી મંદિરમાં પરિક્રમાં કરતા બત્રાએ ડિમ્પલનો દુપટ્ટો પકડી રાખ્યો હતો. તેમના અનુસાર આ તેમના લગ્ન હતા. તેણે ડિમ્પલના માથા ઉપર સિંદૂર પણ લગાવ્યું હતું.



કારગિલ યુદ્ધ સમાપ્ત થયા બાદ બંને લગ્ન કરવાની રાહ જોઈ રહ્યા હતા. કેપ્ટન વિક્રમ બત્રા 1999માં રાષ્ટ્ર માટે લડતા લડતા શહીદ થયા હતા. ડિમ્પલ ચીમાએ ક્યારેય કોઈની સાથે લગ્ન નથી કર્યા અને વિક્રમ બત્રાની વિધવા રહેવાનો નિર્ણય કર્યો. વર્ષ 2017માં એક ઈન્ટરવ્યૂમાં ડિમ્પલે કહ્યું હતું, 'છેલ્લા 17 વર્ષમાં એક પણ દિવસ એવો નથી જ્યારે મે પોતાને તેમનાથી અલગ હોય તેવું મહેસૂસ કર્યું હોય. એવું લાગે છે કે તેઓ કોઈ પોસ્ટિંગ પર દુર છે.જ્યારે લોકો વિક્રમની ઉપલબ્ધિઓ વિશે વાત કરે છે તો મને ખૂબ જ ગર્વ થાય છે. પરંતુ આ સાથે જ મારા દિલના એક ખૂણામાં થોડો અફસોસ પણ છે કે તેમણે અહીં હોવાની જરુર હતી. પોતાની વિરતાની સ્ટોરી સાંભળવી જોઈએ, કે આજે યુવાઓ માટે તમે પ્રેરણા છે. હું મારા દિલમાં જાણુ છુ કે અમે ફરી મળવાના છીએ, બસ સમયની વાત છે.'




ફિલ્મમાં ડિમ્પલની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી કિયારા અડવાણીએ શેરશાહનું શૂટિંગ શરુ કરતા પહેલા તેની સાથે મુલાકાત કરી હતી. કિયારાએ કહ્યું કે ડિમ્પલ તેમના માટે  પ્રેરણા છે. મારા દિલમાં તેમના માટે ખાસ સ્થાન રહેશે. તમને જણાવી દઈએ કે ડિમ્પલ એક સ્કૂલ ટીચર છે અને અત્યાર સુધી તે ગર્વથી કહે છે કે તે કેપ્ટન વિક્રમ બત્રાને પ્રેમ કરે છે.