NDPS On Aryan Khan Passport : મુંબઈની એક વિશેષ અદાલતે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને રાહત આપી હતી. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે કોર્ટ રજિસ્ટ્રીને આર્યનને તેનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલ આર્યનનો પાસપોર્ટ હવે તેને પરત કરવામાં આવે. કોર્ટનો આ આદેશ ચોક્કસપણે આર્યન માટે રાહતના સમાચાર છે.






ઉલ્લેખનીય છે કે ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન આર્યનને જામીનની શરતો હેઠળ કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવ્યો હતો. હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં ગયા વર્ષે 3 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તપાસ એજન્સીએ મે મહિનામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આરોપી તરીકે આર્યનનું નામ સામેલ કર્યું ન હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ પણ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે. એનસીબીએ આર્યન ખાન અને અન્ય પાંચને પૂરતા પુરાવાના અભાવે મુક્ત કર્યો હતો.


નોંધનીય છે કે  30 જૂને આર્યનને  Narcotic Drugs and Psychotropic Substances (NDPS) એક્ટ સંબંધિત વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરીને પાસપોર્ટ પરત કરવાની વિનંતી કરી હતી. આર્યનની અરજી પર NCBએ તેના જવાબમાં કહ્યું હતું કે તેમને પાસપોર્ટ પરત કરવામાં કોઈ વાંધો નથી. આ પછી સ્પેશિયલ જજ વીવી પાટીલે આર્યનની અરજીને મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે (2021) 3 ઓક્ટોબરના રોજ મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ પર દરોડા પાડીને NCB દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે તેની જામીન અરજી મંજૂર કરતા પહેલા આર્યનને 20 દિવસ જેલમાં પસાર કરવા પડ્યા હતા.