મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં વિવાદ વધી રહ્યો છે. બિહાર પોલીસ સતત મુંબઇ પોલીસ પર તપાસમાં સહયોગ ના આપવાનો આરોપ લગાવી રહી છે. આ બધાની વચ્ચે મુંબઇના પોલીસ કમિશનર પરમવીર સિંહે એક મોટુ નિવેદન આપ્યુ છે. પરમવીર સિંહે કહ્યું કે, મુંબઇ પોલીસ આ કેસની ઉંડાણથી તપાસ કરી રહી છે, અને અત્યાર સુધી અમે આ કેસમાં 56 લોકોના નિવેદનો નોંધ્યા છે.


આજે પ્રેસ કૉન્ફરન્સમાં પરમવીર સિંહે કહ્યું- હજુ અમે કોઇપણ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા. આ કેસ બિહારથી મુંબઇ ટ્રાન્સફર થવો જોઇએ. બિહાર પોલીસને આ કેસની તપાસ કરવાનો અધિકાર નથી. જોકે, અમે બિહાર પોલીસની તપાસ પર કાયદેસરની સલાહ લઇ રહ્યાં છીએ. તેમને કહ્યું અમારી તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. સુશાંતના પરિવારે કોઇના પર પણ શક નથી કર્યો.



પોલીસ કમિશનર પરમવીર સિંહે એ પણ જણાવ્યુ કે, અમે કેસની તપાસ દરમિયાન સુશાંતની બહેનોને પણ બોલાવી હતી, પરંતુ તે આવી નહીં. અમે 13 અને 14 જૂનના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. તેમને કહ્યું સુશાંતના બેન્ક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે, અને તેના સીએ સાથે પણ આ મામલે પુછપરછ કરી રહ્યાં છીએ.



ઉલ્લેખનીય છે કે, રવિવારે પટના એસપી વિનય તિવારી મુંબઇ પોતાની તપાસને આગળ વધારવા માટે પહોંચ્ચા હતા. આ દરમિયાન મુંબઇ પોલીસે એસપી વિનય તિવારીને ક્વૉરન્ટાઇન કરી લીધા હતા. આ પછી બન્ને રાજ્યોની પોલીસ વચ્ચે તણાવ વધી ગયો છે.