Musharraf Meet Bollywood Actress : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સંયુક્ત આરબ અમીરાતની એક અમેરિકન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અહેવાલો અનુસાર, મુશર્રફ એમાયલોઇડિસ નામની બિમારીથી પીડિત હતા. તેમના અંતિમ દિવસોમાં તેઓ વ્હીલચેર પર હતા અને ભોજન પણ ખાઈ શકતા નહોતા.


મુશર્રફ સાથે બોલિવૂડ સ્ટાર્સનું કનેક્શન ઘણી વખત ચર્ચામાં રહ્યું હતું. સંજય દત્ત અને મિકા સિંહ સાથે મુશર્રફનું કનેક્શન ટ્રોલનું કારણ બની ગયું હતું જ્યારે રાની મુખર્જીની તેમની સાથેની મુલાકાતની ખૂબ ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા ત્યારે મુશર્રફ 2005માં ભારત આવ્યા હતા અને રાની મુખર્જીને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. આ મુલાકાતની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ હતી.


મુશર્રફની પત્ની રાની મુખર્જીની ફેન હતી


રાની મુખર્જીએ બાદમાં એક ઈન્ટરવ્યુમાં આ મુલાકાતને લઈને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેને ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથેની મુલાકાતનો એ દિવસ ખૂબ જ સારી રીતે યાદ છે - 16 એપ્રિલ, 2005. મુશર્રફની ભારત મુલાકાત દરમિયાન તે એકમાત્ર બોલિવૂડ સ્ટાર હતી જે દિલ્હીની અશોકા હોટેલમાં આયોજિત ડિનરનો ભાગ બની હતી. રાનીને ખાસ એટલા માટે બોલાવવામાં આવી હતી કારણ કે, રાની પરવેઝ મુશર્રફની પત્ની બેગમ સાહબા મુશર્રફની પ્રિય બોલીવુડ અભિનેત્રી હતી. બેગમ સાહબા મુશર્રફને ફિલ્મ 'વીર ઝરા'માં રાની દ્વારા ભજવવામાં આવેલી પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તાની ભૂમિકા પસંદ આવી હતી.




બાદમાં એક ઈન્ટરવ્યુમાં રાનીએ આ મીટિંગને લઈને કહ્યું હતું કે,  મારા માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. આ પ્રકારના શમિયાણાનો ભાગ બની મને લાગ્યું કે હા, મેં આ હાંસલ કરવા માટે કંઈક કર્યું છે. સરહદની બંને બાજુના આદરણીય લોકો ખૂબ જ સંસ્કારી અને ડાઉન ટુ અર્થ હતા. રાનીએ વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે 'બ્લેક' અને 'વીર-ઝારા'એ સરહદની બંને બાજુએ ભારે અસર છોડી છે. હું આ અતિથિ સૂચિનો ભાગ બનવા માટે સન્માનિત અનુભવું છું.


રાનીએ એમ પણ કહ્યું હતું કે, આ મીટિંગમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ખુર્શીદ મહેમૂદ કસુરીએ પણ તેને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. રાનીએ કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ હું ત્યાં જવા માંગુ તે મારા આવવાથી ખૂબ જ ખુશ થશે. રાષ્ટ્રપતિ મુશર્રફ અને અન્ય તમામ પાકિસ્તાની પ્રતિનિધિઓએ કહ્યું હતું કે, હું પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છું.


મુશર્રફને મળવા બદલ સંજય દત્ત ટ્રોલ થયો હતો


2022માં સંજય દત્તની મુશર્રફ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બંનેની મુલાકાત દુબઈમાં થઈ હોવાનું રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું. આ તસવીરોમાં મુશર્રફ વ્હીલચેર પર જોવા મળ્યા હતા. 2016માં ઉરી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા અને પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ બાદ થયેલી આ મીટિંગ વિવાદમાં સપડાઈ હતી અને તેના માટે સંજય દત્તને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.


2019માં બોલિવૂડના પ્રખ્યાત ગાયક મીકા સિંહ મુશર્રફના સંબંધીના મહેંદી સેરેમનીમાં પરફોર્મ કરતા જોવા મળ્યો હતો. મીકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.