Story of Co-Pilot Anju Khativada : નેપાળમાં આજે એક દર્દનાક વિમાન દુર્ઘટના બની હતી. લેન્ડિંગ પહેલા પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. જેમાં 5 ભારતીયો પણ સામેલ છે. ક્રેશ થયેલા પ્લેનની કો-પાઈલટ અંજુ ખાટીવડા કો-પાઈલટ તરીકેની આ છેલ્લી ફ્લાઇટ હતી. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ અંજુ કેપ્ટન બનવાની હતી. આ માટે તે સિનિયર પાયલટ અને ટ્રેનર કમલ કેસી સાથે ફ્લાઈટમાં ગઈ હતી.


ફ્લાઈંગ કેપ્ટન બનવા માટે ઓછામાં ઓછા 100 કલાકનો ફ્લાઈંગ અનુભવ જરૂરી છે. કો-પાયલોટ અંજુએ અગાઉ પણ નેપાળના લગભગ તમામ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. રવિવારે પોખરા જતી વખતે કેપ્ટન કેસીએ તેમને મુખ્ય પાયલોટની સીટ પર બેસાડ્યા. સફળ લેન્ડિંગ બાદ અંજુને મુખ્ય પાઇલટનું લાઇસન્સ મળવાનું હતું, પરંતુ દુર્ભાગ્યવશ લેંડ થવાને માત્ર 10 સેકન્ડ પહેલાં તેના તમામ સપના અને ઇચ્છાઓ ધૂમાડામાં ઉડી ગયા હતાં.


મળતી માહિતી મુજબ, કેપ્ટન કમલ કેસીનો પાયલટ તરીકેનો અનુભવ 35 વર્ષનો હતો. કેસીએ અગાઉ પણ ઘણા પાઇલટ્સને તાલીમ આપી હતી અને તેમના દ્વારા પ્રશિક્ષિત પાઇલોટ્સ આજે સફળ કેપ્ટન તરીકે ઓળખાય છે. નેપાળમાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર અકસ્માતોની સંખ્યા વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 104 અકસ્માતો થયા છે, જેમાં 96 પેસેન્જર એરક્રાફ્ટ અને 8 હેલિકોપ્ટર અકસ્માતનો સમાવેશ થાય છે.


16 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં પતિએ પણ જીવ ગુમાવ્યો હતો


આ અકસ્માતમાં એક દુઃખદ સંયોગ એ છે કે કો-પાઈલટ અંજુના પતિએ પણ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો હતો. તેના પતિ દીપક પોખરેલ પણ યેતી એરલાઈન્સમાં કો-પાઈલટ તરીકે તૈનાત હતા. 16 વર્ષ પહેલા એટલે કે 21 જૂન, 2006ના રોજ નેપાળગંજથી સુરખેત જતી વખતે યેતી એરલાઇન્સનું 9N AEQ વિમાન જુમલા જતી વખતે ક્રેશ થયું હતું. જેમાં 6 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બરના મોત થયા હતા.


કાઠમંડુથી પોખરા જઈ રહેલું પ્લેન થયું ક્રેશ 


યતિ એરલાઇન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા. પ્લેન પોખરા નજીક પહોંચ્યું હતું કે લેન્ડિંગની માત્ર 10 સેકન્ડ પહેલાં જ ક્રેશ થઈ ગયું હતું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો. આ અકસ્માત દિવસના 11.10 વાગ્યે થયો હતો.