નવી દિલ્હીઃ શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજની ગુરુવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ શશે. તેમની અંત્યેષ્ટિ સોશ્યલ મીડિયાના કેટલાય પ્લેટફોર્મ પર લાઇવ થશે. ફેસબુક પર આર્ટ એન્ડ આર્ટિસ્ટ્સ અને દુર્ગા જસરાજ, સાંરંગ દેવ, મધુરા જસરાજ અને પંડિત જસરાજ ફેન્સના પેજ પર આ લાઇવ પ્રસારણ બપોરે બે વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી થશે.


આ દરમિયાન રાજકીય સન્માન તરીકે સંગીત માર્તંડ પંડિત જસરાજનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટવામાં આવશે. પછી રાઇફલ્સથી 21 ગોળીઓ ફાયર કરીને રાજકીય સન્માન આપવામાં આવશે. આ પછી પંડિત જસરાજના પાર્થિવ શરીને વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન લઇ જવાશે. ઉલ્લેખનીય છે કે, પંડિત જસરાજનુ પાર્થિવ શરૂર બુધવારે મુંબઇ લાવવામાં આવ્યો છે.

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકાના ન્યૂજર્સી ખાતે 17 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતા. પંડિત જસરાજના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.

પંડિત જસરાજનો જન્મ 28 જાન્યુઆરી, 1930ના રોજ હિસારમાં થયો હતો. પંડિતજીના પિતા મોતીરામ પણ શાસ્ત્રીય ગાયક તરીકે જાણીતા હતા. પરિવારમાં જ સંગીતનું વાતાવરણ પામેલા પંડિતજીએ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આરંભે તબલાવાદક તરીકે તાલીમ મેળવી હતી. પંડિતજીના પત્ની મધુરા જાણીતા ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામના પુત્રી છે. પંડિતજીના પુત્ર સારંગદેવ અને પુત્રી દુર્ગા પણ સંગીત, અભિનય અને એન્કરિંગ ક્ષેત્રે જાણીતા છે.

તેમને પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, પદ્મ ભૂષણ સહિત અનેક એવોર્ડ મળ્યા છે. ગાયત્રી મંત્ર, શિવ ઉપાસના, હવેલી સંગીત, બૈજુ બાવરા, નમઃ શિવાય, ગાયત્રી, ગોવિંદ દામોદરા માધવેતી, નમઃશિવાય, હનુમાન રક્ષા કવચ, ભક્તામર સ્ત્રોત તેમના જાણીતા આલ્બમ છે.

નાસાના ખગોળવિદ્ય અને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનૉમિકલ યૂનિયન (IAU)ના અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ 13 વર્ષ પહેલા શોધેલા એક ગ્રહનું નામ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નામ પર રાખ્યુ છે. આ સન્માન મેળવનારા પંડિત જસરાજ પહેલા ભારતીય સંગીતકાર હતા.