મુંબઈ: બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે તેમના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેમના પરિવારના સભ્યો સહિત છ અન્ય વિરુદ્ધ પટનામાં FIR નોંધાવી છે. હવે આ મામલે રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટ પહોંચી છે.


રિયાના વકીલ સતીશ મનશિંદેએ કહ્યું, “સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમાં સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. ”


દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતાએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત તેના કેટલાક સાથીઓના નામ પણ એફઆઇઆરમાં નોંધાવ્યા છે. આ તમામ લોકો પર સુશાંત સામે કાવતરા કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે એફઆઇઆરમાં રિયા ચક્રવર્તી સામે કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે.

સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા 25 જુલાઇએ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવાઇ ચૂકી છે, આમાં રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્યના નામ સામેલ છે. આ તમામ પર સુશાંતના પિતાએ સુશાંત સામે કાવતરા કરવા તેમજ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપો લગાવ્યા છે.

સુશાંતના પિતાએ પોતાની અરજીમાં કહ્યું કે, આ કાવતરામાં રિયા અને તેના પરિવારજનો ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તીએ મારા દીકરા સાથે ખુબ નજીકના સંબંધો બનાવી લીધા હતા, અને મારા દીકરાની દરેક વાતમાં હસ્તક્ષેપ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત મારો દીકરો જ્યાં રહેતો હતો, તે ઘર પણ છોડાવી દીધુ, કહ્યું કે અહીં ભૂત-પ્રેત છે.