Sai Pallavi Controversy: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી પોતાની ફિલ્મો, ડાન્સ અને સાદગીના કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ સમયે અભિનેત્રી પોતાના એક નિવેદનના કારણે ચર્ચામાં આવી ગઈ છે. પલ્લવીના એક નિવેદનને લઈને હંગામો થયો છે, જેના પરિણામ સ્વરૂપ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બજરંગ દળે સાઈ પલ્લવી વિરુદ્ધ FIR નોંધાવી છે, જેની કોપી બજરંગદળ ભાગ્યનગરના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી છે.
શા માટે શરૂ થયો વિવાદ?
હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતોના નરસંહારને બતાવવામાં આવ્યો હતો. બીજી તરફ જો હિંસા અને ધર્મને માપદંડ પર તોલવામાં આવે તો થોડા સમય પહેલા ગાયોથી ભરેલી ટ્રક લઈને જઈ રહેલા એક મુસ્લિમ વ્યક્તિને બેરહેમીથી મારવામાં આવ્યો હતો અને જય શ્રી રામના નારા લગાવવાનું કહેવામાં આવ્યું હતું. હવે મને કહો કે આ બે ઘટનાઓમાં શું તફાવત છે. પલ્લવીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. Bajrangdal Bhagyanagar નામના ટ્વિટર હેન્ડલ પર એફઆઈઆરની એક કોપી શેર કરવામાં આવી છે, જેમાં અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનારા લોકોના નામ પણ લખવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર પણ ચર્ચા
આ ટિપ્પણી બાદ સાઈ પલ્લવીને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે કેટલાક યુઝર્સ એવા છે જે પલ્લવીને સપોર્ટ કરી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે, તમે જે કહ્યું તે ઘણું ખોટું છે. તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું છે કે મને સાઈ પલ્લવીની સ્ટાઈલ ગમી, સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ ક્યારેય સત્ય બોલતા શરમાતા નથી. આ રીતે સાઈ પલ્લવીના નિવેદન પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.