Pushpa 2 Premiere: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'નું બુધવારે હૈદરાબાદમાં પ્રીમિયર થયું હતું, જેમાં નાસભાગ મચી ગઈ હતી. સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતાને જોવા માટે લોકો એકઠા થયા ત્યારે ભીડ બેકાબૂ થઇ હતી.
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ 5મી ડિસેમ્બર 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. એક દિવસ પહેલા બુધવારે રાત્રે હૈદબાદમાં આરટીસી ઇન્ટરસેક્શન સ્થિત સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શો થયો હતો, જેમાં 39 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક બાળકની હાલત ગંભીર બની છે. એવું માનવામાં આવે છે કે ઇજાગ્રસ્ત બાળક મૃતક મહિલાનો નાનો પુત્ર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક મહિલાની ઓળખ દિલસુખનગરની રેવતી તરીકે થઇ છે. મહિલા તેના પતિ ભાસ્કર અને બે બાળકો સાથે ફિલ્મના પ્રીમિયરમાં પહોંચી હતી. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ નાસભાગ મચી હતી. ફિલ્મનો અભિનેતા અલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ એકઠી થઈ હતી, જે સ્ક્રીનિંગમાં પણ હાજર હતો.
લોકોએ મદદ કરી, પરંતુ મહિલાને બચાવી શકાઇ નહીં
વાયરલ વીડિયોમાં પોલીસ અને આસપાસના લોકો પીડિતાની મદદ માટે દોડતા જોવા મળી રહ્યા છે. રેવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેને CPR આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પુત્રની હાલત નાજુક છે, જ્યારે રેવતીનું ઇજાઓને કારણે સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
અલ્લુ અર્જુનને જોવા માટે ભીડ બેકાબૂ થઇ
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ અલ્લુ અર્જુનના આવવાના સમાચાર ફેલાતા જ ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. ઘણા લોકો અભિનેતાની નજીક જવા માટે દોડતા જોવા મળ્યા હતા. સુરક્ષાના કારણોસર અભિનેતાને પોલીસ અને સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધો હતો.
પોલીસે લાઠીચાર્જ કર્યો હતો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પોલીસ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરતી પણ જોઈ શકાય છે. IANSના અહેવાલ મુજબ, થિયેટરની બહાર અંધાધૂંધી વચ્ચે થિયેટરનો મુખ્ય દરવાજો પણ તૂટી ગયો હતો.