મુંબઈ: 1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી રાતો-રાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોયને  બ્રેન સ્ટ્રોક આવ્યો છે. હાલમા તેમને સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


એબીપી ન્યૂઝને જાણકારી મળી છે કે 54 વર્ષીય અભિનેતા રાહુલ રોય 7 દિવસ પહેલા કરગિલમાં શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને પછી તેને શ્રીનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં 28-29 નવેમ્બર દરમિયાન રાત્રે 1.25 વાગ્યે તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.



એબીપી ન્યૂઝે જ્યારે વધારે જાણકારી માટે રાહુલ રોયના બનેવી રોમિર સેનનો ફોન પર સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે, હા, રાહુલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. કોવિડના માહોલને જોતા તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે. રાહુલ રોયની કોવિડ રિપોર્ટ નેગેટિવ આવી છે. તેમની તબિયતને લઈ ચિંતાની કોઈ વાત નથી અને તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ રોયે મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીથી ડેબ્યૂ કર્યા બાદ સપને સાજન કે, ફિર તેરી કહાની યાદ આઈ, જનમ, પ્યાર કા સાયા, જુનૂન, પહલા નશા, ગુમરાહ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. રાહુલ રોયે 2006માં બિગબોસમાં ભાગ લીધો હતો અને તે શોના વિજેતા બન્યા હતા.