Rajkumar Santoshi Sentenced Jail:  જાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો વર્ષ 2015નો છે જ્યારે જામનગરના વેપારી અશોક લાલે ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટરને 1 કરોડ રૂપિયાની લોન આપી હતી. રાજકુમાર સંતોષીએ લોન ચૂકવવાના બદલામાં અશોક લાલને 10-10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા. પરંતુ બાદમાં આ ચેક બાઉન્સ થયા હતા. જ્યારે અશોક લાલે આ અંગે રાજકુમાર સંતોષીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તે ગાયબ થઈ ગયા, ત્યારબાદ અશોક લાલે કોર્ટમાં કેસ દાખલ કર્યો. આવી સ્થિતિમાં હવે કોર્ટે નિર્દેશકને સજા સંભળાવી છે.


બે વર્ષની કેદ, 2 કરોડનો દંડ
જ્યારે કોર્ટે આ કેસમાં રાજકુમાર સંતોષીને સમન્સ જારી કર્યા અને દરેક બાઉન્સ ચેક માટે 15000-15000 રૂપિયાનો દંડ લાદ્યો, ત્યારે ડિરેક્ટરે સમન્સ સ્વીકાર્યું નહીં. બાદમાં જ્યારે સમન્સ સ્વિકાર્યા ત્યારે સુનાવણી દરમિયાન તે કોર્ટમાં હાજર થયા નહીં. આવા સંજોગોમાં આજે જામનગરની કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જેના કારણે હવે ડાયરેક્ટરને 1 કરોડને બદલે 2 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.


શું હતો મામલો


બોલિવૂડમાં ઘાયલ, ઘાતક, દામિની જેવી હિટ ફિલ્મો બનાવનાર ફિલ્મ-ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ફિલ્મ નિર્માણ માટે રૂપિયાની જરુરીત હતી. જેથી મિત્રતાના ભાવે જામનગરના એક વેપારી અશોક લાલે તેમને એક કરોડ રુપિયા ઉછીના આપ્યા હતા. જે બાદ રાજકુમાર સંતોષીએ 10-10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા. જો કે, અશોક લાલને આઘાત ત્યારે લાગ્યો જ્યારે ચેક નક્કી કરેલી સમયમર્યાદામાં બેંકમાં ડિપોઝિટ કરતાં તમામ ચેક ફંડસ ઇન્કિ્વઝિશનના શેરા સાથે પરત ફર્યા. ત્યાર બાદ ફરિયાદીએ પોતાના વકીલ દ્વારા ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મજબ તથા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ આઈ.પી.સી. 408 તથા 420 મુજબ લીગલ નોટિસ ફટકારેલી હતી. તેમ છતાં આરોપી દ્વારા કોઈ રકમ ચૂકવવામાં ન આવતા ના છૂટકે ફરિયાદીએ પોતાના કુલમુખત્યાર દ્વારા જામનગરની કોર્ટમાં સને 2017ની સાલમાં આરોપી વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


દિગ્દર્શક 'લાહોરઃ 1947'ના નિર્દેશનમાં વ્યસ્ત છે
એબીપી ન્યૂઝે આ મામલે રાજકુમાર સંતોષી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હજુ સુધી તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. તમને જણાવી દઈએ કે રાજકુમાર સંતોષી હાલમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સાથે ફિલ્મ 'લાહોરઃ 1947'ના નિર્દેશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે.