Karan Johar Jug Jug Jeeyo: વરુણ ધવન, કિયારા અડવાણીસ અનિલ કપૂર અને નીતૂ કપૂર અભિનિત ફિલ્મ 'જુગ જુગ જિયો' 24 જૂનના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. હાલ ફિલ્મની સ્ટારકાસ્ટ જોરશોરથી ફિલ્મનું પ્રમોશન પણ કરી રહી છે. ત્યારે હવે આ ફિલ્મ ઉપર ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે અને ફિલ્મ કાનૂની વિવાદમાં ઘેરાઈ છે. કરણ જોહર જે આ ફિલ્મના નિર્માતા છે તેમના ઉપર આરોપ લગાવાયો છે કે, જુગ જુગ જિયો ફિલ્મની વાર્તા ચોરી કરવામાં આવી છે. રાંચીમાં રહેતા વિશાલ સિંહે કરણ જોહર ઉપર આ આરોપ લગાવ્યો છે અને કેસ પણ કર્યો છે.


કોર્ટ કેસમાં ફસાઈ જુગ જુગ જિયોઃ
વિશાલ સિંહની ફરિયાદ બાદ જુગ જુગ જિયો કોર્ટ કેસમાં ફસાઈ ગઈ છે. કોર્ટે હાલ કરણ જોહરને 18 જૂનના રોજ હાજર રહેવા માટે નોટીસ આપી છે. વિશાલ સિંહે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, જ્યારે 22 મેના દિવસે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું ત્યારે જ તેમને ખબર પડી કે તેમની વાર્તા ચોરી કરી લેવામાં આવી છે અને તેમની જ વાર્તા પર આ ફિલ્મ બનાવાઈ છે. વિશાલે આગળ જણાવ્યું કે, મેં લખેલી વાર્તા સાથે કરણ જોહર સાથે મુલાકાત કરી હતી અને વાર્તા કરણ જોહરને સંભળાવી હતી પણ કરણે ત્યારે આ વાર્તાને રિજેક્ટ કરી હતી.


વિશાલ સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, "મેં જાન્યુઆરી 2020માં સ્ક્રીનરાઈટર્સ એસોસિયેશન ઈન્ડિયા સાથે 'બન્ની રાની' ટાઈટલ સાથે એક સ્ટોરી રજિસ્ટ્રેશન કરાવી હતી. આ સ્ટોરીને ફેબ્રુઆરી 2020માં કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને સત્તાવાર મેઈલ પણ કર્યો હતો. મને આશા હતી કે હું તેમની સાથે મળીને ફિલ્મને કો-પ્રોડ્યુસ કરીશ. ધર્મા પ્રોડક્શન તરફથી મને જવાબ પણ મળ્યો. પરંતુ તેમણે મારી સ્ટોરી ના લીધી. મારી સ્ટોરી લઈને તેમણે જુગ જુગ જિયો બનાવી છે. આ યોગ્ય નથી કરણ જોહર"