મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને એક મહીનો વીતી ચૂક્યો છે. હવે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. રિયાએ કેન્દ્ર સરકારને આ મામલે સીબીઆઈ તપાસની વિનંતી કરી છે. રિયા ચક્રવર્તીએ ગૃહમંત્રી અમિત શાહને પણ પોતાની પોસ્ટમાં ટેગ કર્યા છે.


અભિનેત્રી રિયાએ ઈન્સ્ટાગ્રામ પર સુશાંતની તસવીર શેર કરીને લખ્યું, “અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી. સુશાંતના અસમય નિધનને એક મહીનો થઈ ગયો છે. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે. જો કે, ન્યાય માટે હું હાથ જોડીને આગ્રહ કરું છું કે, આ મામલે જલ્દી સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. હું માત્ર એ જાણવા માંગું છું કે, સુશાંતે શાના દબાવમાં આવીને આ પગલુ ભર્યું.”


આ પહેલા રિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર સતત સુશાંત સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હાલમાં જ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેમને સતત રેપ અને જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. તેના બાદ રિયાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસે આ મામલે પર્સનલ અને પ્રોફેશનલ તમામ એન્ગલથી હાઈ પ્રોફાઈલ કેસની તપાસ કરી રહી છે. આ મામલે રિયાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.