અમદાવાદ: લોકપ્રિય અભિનેતા આર માધવન તેમની ટૂંક સમયમાં રીલિઝ થનારી ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટના પ્રમોશન માટે થોડાં દિવસ પહેલાં અમદાવાદના મહેમાન બન્યાં હતાં. તેમની આ ફિલ્મ રીલિઝ થવા માટે હવે તૈયાર છે, જે પૂર્વ વૈજ્ઞાનિક અને ઇસરોના એરોસ્પેસ એન્જિનિયર નાંબી નારાયણના જીવન ઉપર આધારિત છે. આર માધવન આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે અને તેના માટે અભિનેતાએ જબરદસ્ત મહેનત કરી છે. 


અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન માટે આવેલા માધવને તેમના આ ડ્રીમ પ્રોજેક્ટ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. તેમણે ફિલ્મ બનાવવાના ખ્યાલથી લઇને તેની વાર્તા, ડાયરેક્શન અને પડકારો સહિતના અનુભવો વર્ણવ્યાં હતાં. આ ફિલ્મ માટે પોતાનો લૂક બદલવાથી લઇને વજન વધારવા સુધી ભૂમિકાને અનુરૂપ બનવા માટે માધવને શક્ય તમામ પ્રયાસો કર્યાં છે. થોડાં સમય પહેલાં તેમના ટ્રાન્સફોર્મેશનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો, જેને તેમના ચાહકો તરફથી ખૂબજ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. માધવને તેમના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સખત મહેનત કરી છે અને તેમની ફિલ્મની પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરી છે.


આ પહેલાં માધવનની ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટનું કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં વર્લ્ડ પ્રીમિયર પણ કરાયું હતું, જેની વિશ્વભરમાંથી આવેલા દર્શકોએ આ સાયન્સ ફિક્શન ફિલ્મની મજા માણી હતી. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મની તમામ જવાબદારી આર. માધવને પોતે ઉપાડી છે. તેની વાર્તા, પ્રોડક્શનથી લઇને ડાયરેક્શન માધવને કર્યું છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ સહિતની છ ભાષાઓમાં 1 જુલાઇને રોજ વિશ્વભરમાં રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મ આર. માધવનનું ડાયરેક્ટોરિયલ ડેબ્યુ છે અને તેમની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મનું શુટિંગ ભારતની સાથે-સાથે જ્યોર્જિયા, ફ્રાન્સ, કેનેડા, સર્બિયા અને રશિયામાં કરાયું છે.