Salman Khan Got Threats: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મુશ્કેલી ફરી એકવાર વધી ગઇ છે. ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇની સલમાનને બીજી ધમકી મળી છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સિક્યૂરિટીનું રિવ્યૂ કર્યુ હતુ. 'ટાઈગર 3'ના અભિનેતાને પણ સતર્ક રહેવા જણાવ્યું હતું. ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇની ધમકી બાદ અભિનેતાને મુંબઈ પોલીસ દ્વારા પહેલેથી જ Y-પ્લસ સિક્યૂરિટી આપવામાં આવી છે.


ફેસબુક પૉસ્ટમાં સલમાન ખાનને આપવામાં આવી ધમકી 
રવિવારે, લૉરેન્સ બિશ્નોઇએ ફેસબુક પૉસ્ટમાં કેનેડામાં ગિપ્પી ગ્રેવાલના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. ઈન્ડિયા ટૂડેના એક રિપોર્ટ અનુસાર ફેસબુક એકાઉન્ટનું મૂળ ભારત બહાર હતું. ફેસબુક પૉસ્ટમાં લખ્યું હતું કે, “તમે સલમાન ખાનને તમારો ભાઈ માનો છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમારા ‘ભાઈ’ આવીને તમને બચાવે. આ સંદેશ સલમાન ખાન માટે પણ છે - એવા ભ્રમમાં ન રહો કે દાઉદ તમને બચાવશે, તમને કોઈ બચાવી શકશે નહીં.


સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુ અંગેની તમારી નાટકીય પ્રતિક્રિયા ધ્યાને ન આવી, આપણે બધા જાણીએ છીએ કે તે કેવો વ્યક્તિ હતો અને તેના ગુનાહિત સંબંધો હતા...તમે હવે અમારા રડાર પર છો. આ એક ટ્રેલર ધ્યાનમાં લો, આખી ફિલ્મ. ટૂંક સમયમાં રિલીઝ થશે. તમે ઇચ્છો તે કોઈપણ દેશમાં ભાગી જાઓ, પરંતુ યાદ રાખો, મૃત્યુ માટે વિઝાની જરૂર નથી; તે બિનઆમંત્રિત આવે છે.


ગિપ્પી ગ્રેવાલે કહ્યું સલમાન સાથે નથી દોસ્તી 
આ ઘટના બાદ ગિપ્પીએ કહ્યું કે સલમાન સાથે તેની કોઈ મિત્રતા નથી અને તેનો ગુસ્સો તેના પર કેવી રીતે કાઢવામાં આવે છે. તેણે કહ્યું કે તે સલમાનને મૌજા હી મૌજાના ટ્રેલર લૉન્ચ દરમિયાન મળ્યો હતો કારણ કે ફિલ્મના નિર્માતાએ તેને ત્યાં આમંત્રિત કર્યો હતો અને તે પહેલા તે બિગ બૉસના સેટ પર સલમાનને મળ્યો હતો.


ગિપ્પીએ ન્યૂઝ 18ને કહ્યું, "આ સવારે 12.30 થી 1 (રવિવારની વહેલી સવારે)ની વચ્ચે થયું હતું. મારું ઘર વેસ્ટ વાનકુવરમાં છે, ઘટના ત્યાં બની હતી. અમે સમજી શકતા નથી કે શું થયું અને શા માટે થયું. ... ક્યારે આ ઘટના બની, હું ચોંકી ગયો હતો કારણ કે મેં અગાઉ ક્યારેય કોઈ વિવાદનો સામનો કર્યો નથી. મારી કોઈ સાથે દુશ્મની નથી તેથી હું કલ્પના પણ કરી શકતો નથી કે હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે છે."


માર્ચમાં પણ મળી હતી સલમાન ખાનને ધમકી 
તમને જણાવી દઈએ કે આ પહેલા માર્ચમાં સલમાનને બિશ્નોઈ ગેંગના એક સભ્ય દ્વારા મોકલવામાં આવેલ ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ અંગે મુંબઈ પોલીસે સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી અને કેસ પણ નોંધ્યો હતો. લૉરેન્સ બિશ્નોઇ હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરાયેલા ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં જેલના સળિયા પાછળ છે.