Vijay Diwas Jashn : અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને વિજય દિવસ જશ્ન 2022 માં આમંત્રિત કરવામાં આવ્યો હતો. આજે તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ હાજરી આપી હતી. અભિનેતાએ Instagram પોસ્ટ વતી ચાહકો સાથે તેનો અનુભવ શેર કર્યો હતો. જેને ચાહકોએ આવકાર્યો હતો અને તેના વખાણ કર્યા હતાં.


સેના પ્રમુખે સિદ્ધાર્થ મલ્હોત્રાને વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. આ અવસર પર સિદ્ધાર્થ ત્યાં પીએમ મોદીને પણ મળ્યો હતો. તસવીરમાં સિદ્ધાર્થ પીએમ મોદીને નમસ્તે કહેતો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી પણ સિદ્ધાર્થ તરફ જોઈને નમસ્તે જવાબ આપતા જોવા મળે છે.


પીએમ સાથેની મુલાકાતની તસવીર શેર કરતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મને વિજય દિવસની ઉજવણી માટે આર્મી ચીફ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, તે મારા માટે સન્માનની વાત છે. તે મારા માટે અદ્ભુત અનુભવ હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને માનનીય વડાપ્રધાન સાથે ત્યાં હોવું ખાસ હતું.


સિદ્ધાર્થ મલ્હોત્રાએ આગળ લખ્યું હતું કે, હું આ દિવસ ક્યારેય નહીં ભૂલી શકું. આપણા દેશના રિયલ હિરો નાયકો સાથે વાતચીત કરીને હું ગર્વ અને લાગણીથી ભરાઈ ગયો છું. હું હંમેશા આ દિવસની ઉજવણી કરીશ. ઘણો પ્રેમ અને આદર.


ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ 2021માં આવેલી ફિલ્મ શેર શાહમાં કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આમાં સિદ્ધાર્થ સાથે કિયારા અડવાણી જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિષ્ણુવર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેણે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ પણ કર્યો હતો.


યુઝર્સે સિદ્ધાર્થના કર્યા ભારોભાર વખાણ 


પીએમ મોદી સાથેની તસવીર સામે આવતાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાના ચાહકો તેમના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આવતું વર્ષ સિદ (સિદ્ધાર્થ) વધુ સફળ રહેશે. તમે તમારા જીવનમાં દરેક સારી વસ્તુને લાયક છો. મારો કોહિનૂર હીરો." એકે લખ્યું, "આ ગર્વની ક્ષણ છે."


સિદ્ધાર્થની અપકમિંગ ફિલ્મ... 


સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ મિશન મજનૂનું ટીઝર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવતા વર્ષે 19 જાન્યુઆરીએ રિલીઝ થશે. તે શાંતનુ બાગચી દ્વારા નિર્દેશિત છે. આમાં સિદ્ધાર્થની સાથે રશ્મિકા મંદાના જોવા મળશે.