નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ઈડીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ પાઠવીને શુક્રવારે પૂછપરછ માટે બોલવી છે. સુશાંત સિંહ કેસ મામલે ઈડી કેટલીક પ્રોપર્ટીને લઈને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. આ પ્રોપર્ટીની જાણકારી ઈડીને રિયાના સીએની પૂછપરછ દરમિયાન મળી છે. ઈડીએ સુશાંત મોત કેસમાં મની લોન્ડ્રિંગનો એક મામલો નોંધ્યો છે. રિયા ચક્રવર્તી સતત પોતાના વકીલોના સંપર્કમાં છે અને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શુક્રવારે રિયા ઈડી સામે હાજર નહી થાય.
સુશાંત સિંહ મામલે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા નવા તથ્ય સામે આવી રહ્યાં છે. સૂત્રો અનુસાર, ઈડીને રિયાની બેથી વધુ નવી પ્રોપર્ટીઓ અંગે જાણકારી મળી છે. સૂત્રો અનુસાર, રિયાના સીએએ પૂછપરછ દરમિયાન ઈડીને અનેક મહત્વના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા છે. જેમાં રિયા અને સુશાંત વચ્ચે થયેલી લેવડદેવડ પણ સામેલ છે.
ઈડી સુશાંત રાજપૂતના રૂપિયા અને તેના બેંક ખાતાના કથિત દુરપયોગના આરોપની તપાસ કરી રહી છે. આ દરમિયાન આજે કેન્દ્ર સરકારે બિહાર સરકારની ભલામણ પર સીબીઆઈને સુશાંત સિંહ રાજપૂત મોત મામલાની તપાસ સોંપી દીધી છે. આ મામલાને લઈ મહારાષ્ટ્ર અને બિહાર પોલીસમાં ઘણો વિવાદ જોવા મળ્યો છે.