નવી દિલ્હીઃ એક્ટ્રેસ અને સાંસદ મિમી ચક્રવર્તી સાથે તાજેતરમાંજ એક ટેક્સી ડ્રાઇવરે ગેરવર્તન કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ડ્રાઇવરને એક્ટ્રેસ સાથે આવો વ્યવહાર કરવો ભારે પડી ગયો, અને પોલીસે પકડીને તેને જેલ ભેગો કરી દીધો હતો. એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પોતાની ગાડીમાં બેસીને ક્યાંય જઇ રહી હતી તે દરમિયાન ટેક્સી ડ્રાઇવરે તેની ઓવરટેક કરીને અશ્લીલ ઇશારો કર્યો અને ખરાબ કૉમેન્ટ કરી હતી. ડ્રાઇવરને સબક શીખવાડવા માટે મિમી ચક્રવર્તી તેની પાછળ ગાડી લઇને ભાગી હતી, અને તેને ઝડપી પાડ્યો હતો.

સાંસદ મિમી ચક્રવર્તી સાથે ઘટેલી ઘટના અંગે જાણકારી આપતા પોલીસે મીડિયાને જણાવતા કહ્યું કે, મિમી ચક્રવર્તી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ સોમવારે રાત્રે મુકુંદપુરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ અનુસાર જ્યારે મિમી ચક્રવર્તી બલ્લીગંજ ફેરી વિસ્તારમાંથી પોતાની ગાડીમાં જઇ રહી હતી, ત્યારે એક ટેક્સી ડ્રાઇવરે કથિત રીતે તેની તરફ અશ્લીલ ઇશારો કર્યો હતો, પહેલા તો મિમી ચક્રવર્તીએ તેને નજરઅંદાજ કર્યો પરંતુ તે ફરીથી અશ્લીલ કૉમેન્ટ કરવા લાગ્યો, બાદમાં મિમી આ શખ્સનો પીછો કરવા તેની પાછળ ગાડી લઇને ભાગી હતી.



પીછો કરીને મિમીએ ટેક્સી ડ્રાઇવરને પકડી લીધો હતો, આ દરમિયાન કેટલાક લોકોની ભીડ થઇ ગઇ હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ટેક્સી ડ્રાઇવરની નંબર પ્લેટ પરથી અમે તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસ અનુસાર આરોપીનુ નામ દેબા યાદવ છે, આ શખ્સની ઉંમર 32 વર્ષની બતાવવામાં આવી રહી છે. મિમી બાંગ્લા ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસ અને સિંગર છે, બાદમાં તેને 2019માં જાદવપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી, હાલ તે સાંસદ છે.