બેંગલુરુ: સેન્ડલવુડ એટલે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડ્રગ કનેક્શન વધી રહ્યું છે. સેન્ડલવુડ ડ્રગ કનેક્શનમાં ચાલી રહેલી ધરપકડની વચ્ચે બેંગલુરુ સીસીબી વિવેક ઓબરૉયના સાળા આદિત્ય આલ્વાના ઘરે પહોંચી હતી. તેના પર પાર્ટીઓમાં ડ્રગ્સના વેપારનો આરોપ છે. આદિત્ય હાલમાં ફરાર થઈ ગયો છે. તેની શોધખોળ ચાલી રહી છે. સીસીબીનું કહેવું છે કે, આદિત્ય આલ્વાનો મોબાઈલ પણ એક અઠવાડિયાથી બંધ છે. હાલમાં તેને સર્વેલેન્સ પર મુકવામાં આવ્યો છે. તે ધરપકડથી બચવા માટે સંતાતો ફરે છે અને સતત પોતાના ઠેકાણાં બદલી રહ્યો છે.


આ પહેલા સેન્ટ્રલ ક્રાઈમ બ્યૂરોએ બેંગલુરુમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેના બાદ કર્ણાટક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સની લેવડ-દેવડનો મોટો ખુલાસો થયો હતો.

સેન્ટ્ર્લ ક્રાઈમ બ્રાન્ચે રવિવારે કર્ણાટકના પૂર્વ મંત્રી રહી ચૂકેલા જીવરાજના પુત્ર અને બૉલિવૂડ સેલેબ વિવેક ઑબેરૉયના સાળા આદિત્ય પર કેસ દાખલ કર્યો હતો. આદિત્ય સિવાય વધુ 11 લોકો પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યા છે. આ મામલે પ્રથમ ધરપકડ ટ્રાન્સપોર્ટ અધિકારી બીકે રવિશંકરની થઈ હતી. રવિશંકર એક્ટ્રેસ રાગિનીનો નજીકનો માનવામાં આવે છે. તેની પૂછપરછના આધાર પર આજે 12 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે અને રાગિનીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાગિની હાલ 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં છે.

આદિત્ય વિરુદ્ધની એફઆઈરમાં લખવામાં આવ્યું છે કે, તે 5 જુલાઈએ યેલહેન્કામાં પ્રાઈવેટ હોટલમાં થયેલી પાર્ટીમાં સામેલ હતો. જ્યારે એફઆઈઆરમાં રાગિની દ્વિવેદી અને તેના પૂર્વ ફ્રેન્ડ શિવપ્રકાશનું પણ નામ છે. ક્રાઈમ બ્રાન્ચે તેમને મુખ્ય ડ્રગ પેડલર ગણાવ્યા છે.