Adipurush: ફિલ્મ 'આદિપુરુષ' ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ તિરુપતિમાં ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ બધાની વચ્ચે એક વિવાદ પણ ઉભો થયો છે. ફિલ્મની ટીમ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ બાદ તિરુપતિ મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. આવી સ્થિતિમાં જ્યારે બધા દર્શન કર્યા પછી એકબીજાને અલવિદા કહી રહ્યા હતા, ત્યારે નિર્દેશક ઓમ રાઉતે ક્રિતિ સેનનને ગુડબાય કહેતા કિસ કરી હતી. જેના પર હવે વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે, જ્યારે બીજેપી નેતાએ પણ આ અંગે વિવાદાસ્પદ વાત કરી છે.




ઓમ રાઉતે મંદિર પરિસરમાં ક્રિતિને ગુડબાય કિસ કરી


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નિર્દેશક ઓમ રાઉત અને ક્રિતિ સેનન મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે. દર્શન પછી જ્યારે ક્રિતિ ત્યાંથી ટીમને અલવિદા કહી રહી છે. ત્યારે ઓમ રાઉતે તેને ગળે લગાડી અને પછી તેને ગુડબાય કિસ કરી હતી. આવી સ્થિતિમાં મંદિરના પરિસરમાં બંને એકબીજાને ગળે લગાડવા અને કિસ કરવાને લઈને વિવાદ ઉભો થયો છે અને જેની લાગણીઓને ઠેસ પહોંચી છે તેવા લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.


જેનાથી ભાજપના નેતા નારાજ થયા હતા


ખાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને ગુડબાય કહેવા માટે કિસ કરવી સામાન્ય છે. પરંતુ બીજેપીના સ્ટેટ સેક્રેટરી રમેશ નાયડુને આ બિલકુલ પસંદ ન આવ્યું. પ્રભાસ ક્રિતિને ટેગ કરીને તેમણે ટ્વીટ કર્યું, 'શું મંદિર જેવા પવિત્ર સ્થાનમાં આવા કૃત્યો કરવામાં આવે તે જરૂરી છે? ભગવાન વેંકટેશ્વર સ્વામીના મંદિરમાં આ રીતે કિસ અને આલિંગન... આ બિલકુલ સ્વીકાર્ય નથી. આ એકદમ અપમાનજનક છે. જોકે, બાદમાં તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.