સુપ્રીમ કોર્ટે ફિલ્મ ' The Kerala Story' વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ફિલ્મ પર પોતાનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદારો કેરળ હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. આ ફિલ્મ 5મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. એટલા માટે હાઈકોર્ટ આ મામલે વહેલી સુનાવણી પર વિચાર કરી શકે છે.
'ધ કેરળ સ્ટોરી' સામેનો વિરોધ સમાપ્ત થશે!
'ધ કેરળ સ્ટોરી'ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. આ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. 'ધ કેરળ સ્ટોરી' અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટ દરેક કેસમાં ઉપાય તરીકે ન આવી શકે. આ મામલે હાઈકોર્ટમાં જઈ શકો છો. અમે અહી સુપર હાઇકોર્ટ બની શકીએ નહીં.
ફિલ્મમાં કોઈ સત્ય નથી
અદા શર્મા અભિનીત ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ નર્સ બનવા માંગતી છોકરીઓની વાર્તા દર્શાવે છે પરંતુ બાદમાં તે ISISની આતંકી બની જાય છે. 'ધ કેરળ સ્ટોરી'ના ટ્રેલરમાં બ્રેઈન વોશ, લવ જેહાદ, હિઝાબ અને આઈએસઆઈએસ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ મુસ્લિમો વિરુદ્ધ છે. અરજીમાં 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહને પૂછવામાં આવ્યું કે શું આ પ્રોપગેન્ડા ફિલ્મ છે. આના પર તેમણે કહ્યું હતું કે 'મને લાગે છે કે જ્યારે તાર્કિક ચર્ચા પૂરી થઈ જાય છે, ત્યારે કહેવું ખૂબ જ સરળ છે કે તે એક પ્રોપગેન્ડા ફિલ્મ છે. જે લોકો કહી રહ્યા છે કે આ એક પ્રોપગેન્ડા ફિલ્મ છે, તેમાંથી કોઈએ આ ફિલ્મ જોઈ નથી. જોતા પહેલા નક્કી થઇ જાય છે કે આ એક પ્રોપગેન્ડા ફિલ્મ છે.
જ્યારે ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેનને ફિલ્મ બનાવતી વખતે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે 'હું સમસ્યાઓની વાત નથી કરતો. આ અમે અમારી પસંદગીથી ગયા હતા.
ફિલ્મ કયા મુદ્દા પર બની છે?
ફિલ્મમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કેરળમાંથી ગુમ થયેલી 32,000 છોકરીઓની વાર્તા છે જેનું બ્રેઈનવોશ કરીને તેમને ઈસ્લામ કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને ISIS સાથે જોડીને આતંકવાદી બનાવવામાં આવી હતી. 'ધ કેરળ સ્ટોરી' 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.