Saif Ali Khan Attack Case: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર વ્યક્તિ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મુંબઈ પોલીસે આરોપીની હિરાનંદાની, બાંદ્રાથી ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. હવે આરોપીની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આ કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે અને હુમલાખોરની પૂછપરછ કર્યા બાદ જે માહિતી સામે આવી છે તે ખુલાસો કર્યો છે.
મુંબઈ પોલીસે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપીનું મુખ્ય નામ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ છે અને તેની ઉંમર 30 વર્ષ છે. પોલીસે જણાવ્યું કે આરોપી પાસે કોઈ ભારતીય દસ્તાવેજ નથી અને તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે. આરોપી 5-6 મહિના પહેલા જ મુંબઈ આવ્યો હતો અને હાઉસકીપિંગ એજન્સીમાં કામ કરતો હતો.
સૈફ અલી ખાનના ઘરમાં આરોપી કયા ઈરાદાથી ઘૂસ્યો?
સૈફ અલી ખાન પર છરી વડે હુમલા બાદ ઘરમાં ઘૂસવા પાછળનો આરોપીનો હેતુ શું હતો તે નક્કી કરવું મુશ્કેલ હતું. તે ચોરી કરવા ગયો હતો કે કોઈની હત્યા કરવા ગયો હતો તે અંગેની માહિતી હવે સામે આવી છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદાથી ઘુસ્યો હતો, તેને ખબર ન હતી કે તે જે ઘરમાં ચોરી કરવા જઈ રહ્યો છે તે બૉલીવુડ અભિનેતાનું ઘર છે.
આરોપીને આજે રજાના દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
મુંબઈ પોલીસની 30 થી વધુ ટીમો સતત આરોપીને શોધી રહી હતી, જેના પછી ઘટનાના 72 કલાકની અંદર આરોપીની ધરપકડ કરી શકાઇ.હુમલાખોરને પણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ધરપકડ બાદ પોલીસ હાલમાં હોસ્પિટલમાં દાખલ સૈફ અલી ખાનનું નિવેદન પણ રેકોર્ડ કરશે.
સમગ્ર મામલો શું છે
15 જાન્યુઆરીએ સવારે લગભગ 2 વાગે એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. જ્યારે ઘરની નોકરાણીએ આ વ્યક્તિને જોયો તો તે ચીસો પાડવા લાગી. અવાજ સાંભળીને જ્યારે સૈફ અને કરીના ત્યાં પહોંચ્યા તો આરોપીએ એક્ટરને એક પછી એક છ વાર કર્યા. આ દરમિયાન સૈફ ગંભીર રીતે ઘવાયા હતા ત્યારબાદ પરિવારે તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હવે અભિનેતા ખતરાની બહાર છે.