Vaibhavi Upadhyay Passes Away: લોકપ્રિય ટીવી સીરિઝ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'માં જૈસ્મિનની ભૂમિકા ભજવનાર જાણીતી ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. વૈભવી 32 વર્ષની હતી. અભિનેત્રીના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. બુધવારે સવારે 11 વાગ્યે વૈભવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જેડી મજેઠિયાએ વૈભવીના મૃત્યુની પુષ્ટી કરી
વૈભવીના મૃત્યુની પુષ્ટી અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી હતી. જેડીએ વૈભવી સાથે ‘સારાભાઈ ટેક 2’ માં કામ કર્યું હતું. જેડી મજેઠિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું કે “જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું. વૈભવી ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ની "જૈસ્મિન" તરીકે જાણીતી છે. તેને નોર્થમા અકસ્માત નડ્યો હતો. પરિવાર તેમને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 11 વાગ્યે મુંબઈ લાવશે.
રૂપાલી ગાંગુલીએ વૈભવી ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો
‘અનુપમા’ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે રૂપાલીએ લોકપ્રિય સિટકોમ ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’માં વૈભવી ઉપાધ્યાય સાથે સ્ક્રીન શેર કરી હતી. અનુપમા અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હૃદયદ્રાવક પોસ્ટ સાથે તેની સહ-અભિનેત્રીના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવીની તસવીર શેર કરતાં રૂપાલી ગાંગુલીએ લખ્યું, "ખૂબ જ જલદી વૈભવી..." તે સિવાય તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવી ઉપાધ્યાયનો એક ઇન્સ્ટાગ્રામ રીલ વીડિયો શેર કર્યો, અને લખ્યું હતું કે આના પર વિશ્વાસ કરી શકતી નથી.
વૈભવીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે
ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ, અભિનેત્રી તેના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી ત્યારે એક વળાંક પર કાર પરનું નિયંત્રણ ગુમાવ્યુ હતું. વૈભવીના મૃત્યુથી ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. આ પહેલા અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત તેના ઘરમાં શંકાસ્પદ હાલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.