મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોની સાથે રંગમંચના જાણીતા એક્ટર રવિ પટવર્ધનનું હાર્ટઅટેકના કારણે 84 વર્ષની વયે આજે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ દિલની બીમારીથી પીડાતા હતા. શનિવારે શ્વાસ લેવની મુશ્કેલી બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખલનાયકની ભૂમિકા માટે હતા જાણીતા

1970ના દાયકામાં કરિયરની શરૂઆત કરનારા રવિ પટવર્ધને 200થી વધુ ફિલ્મો, ટીવી શો અને નાટકોમાં કામ કર્યું હતું. જોકે તેઓ ખલનાયકની ભૂમિકા માટે વધારે જાણીતા હતા. તેમની ચર્ચિત હિંદી ફિલ્મ તેઝાબ છે. આ ફિલ્મમાં તેમણે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સાથે કામ કર્યુ હતું. રવિ પટવર્ધને ઝાંઝર, બંધન અને યશવંત જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું.

ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

રવિ પટવર્ધનના નિધનના સમાચારથી હિન્દી અને મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. પટવર્ધનના મોતની નિર્માતા સુનીલ ભોંસલેએ પુષ્ટિએ કરી છે. તેમણે કહ્યું, મેં 15 દિવસ પહેલા તેમની સાથે વાત કરી હતી. થોડા દિવસો અગાઉ બીમાર થતાં પહેલા અંત સુધી તેમણે શૂટિંગ કર્યુ હતું. ફેબ્રુઆરીમાં તેમને બે હાર્ટ અટેક આવ્યા હતા પરંતુ તેમાંથી ઠીક થઈને ફરીથી શૂટિંગ શરૂ કર્યુ હતું.