મુંબઈઃ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા પર હથોડો વિંઝી શકે છે. અમિતાભ બચ્ચના પ્રતીક્ષા બંગલાની કંપાઉન્ડ વોલ ટૂંક સમયમાં તૂટી શકે છે. જૂહુના સંત જ્ઞાનેશ્વર રોડ પર બિગ બીનો પ્રતીક્ષા બંગલો આવેલો છે. આ માર્ગ 45 ફૂટ પહોળો છે. જેના કારણે અહીંયા ટ્રાફિક જામ રહે છે.



આશરે એક વર્ષ પહેલા આ માર્ગને મનપાએ 60 ફૂટ પહોળો કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ સત્યમૂર્તિ સહિત બિલ્ડિંગોના માલિકોને મનપાએ નોટિસ મોકલી હતી. મનપાની નોટિસ મળતા જ સત્યમૂર્તિએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના કારણે માર્ગને પહોળો કરવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું.



હાઇકોર્ટે સત્યમૂર્તિની અરજી પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે. જે બાદ મનપાએ ફરીથી રોડ પહોળો કરવાનું કામ શરૂ કરી દીધુ છે. મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, બિગ બીએ હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી. બે દિવસ પહેલા જ સત્યમૂર્તિના બંગલાની દીવાલ તોડી પાડવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બિગ બીના બંગલાની દિવાલ પણ તોડવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.