Boys Locker Room ની વાયરલ ચેટ પર ભડકી સોનમ અને સ્વરા, કહ્યું.........
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2020 09:19 AM (IST)
આ ચેટ ગ્રુપમાં બાળકો ગેંગરેપનું પ્લાનિંગ કરી રહ્યા હતા ઉપરાંત સ્કૂલની છોકરીઓની તસવીરો એડિટ કરી શેર કરતા હતા.
મુંબઈઃ સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામના ચેટ ગ્રુપ બોયઝ લોકર રૂમની ચેટ વાયરલ થઈ હતી. દિલ્હી એનસીઆરની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણતાં ધો.11 અને 12ના વિદ્યાર્થીઓ તેમની શાળામાં ભણતી સગીર વિદ્યાર્થીનીઓ અંગે ચેટ રૂમમાં અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી. આ ચેટ ગ્રુપમાં બાળકો ગેંગરેપનું પ્લાનિંગ કરી રહ્યા હતા ઉપરાંત સ્કૂલની છોકરીઓની તસવીરો એડિટ કરી શેર કરતા હતા. જેના પર બોલિવૂડ એકટ્રેસ સોનમ કપૂર અને સ્વરા ભાસ્કરે ન માત્ર ચિંતા વ્યક્ત કરી પરંતુ તેમની નારાજગી પણ વ્યક્ત કરી છે. સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ મામલો પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવેલી અવગણનાનું પરિણામ છે. આ માટે પેરેંટ્સને જવાબદાર ગણાવવા જોઈએ. તેમણે તેમના પુત્રોને મહિલાઓ અને વ્યક્તિઓની ઈજ્જત કરતા શીખવાડ્યું નથી અને આ છોકરાઓને તેમની ખુદ પર શરમ આવવી જોઈએ." સ્વરા ભાસ્કરે લખ્યું, #boyslockerroom મર્દાનગી તરફ આગળ વધતા યુવાનોની કહાની રજૂ કરે છે. નાના છોકરા સગીર છોકરીઓ સાથે દુષ્કર્મ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના માતા-પિતા અને શિક્ષક ઈચ્છે છે કે તેમને બાળક કહેવામાં આવે. બળાત્કારીઓને પાંસી આપી દેવી પૂરતી નથી, આ બળાત્કારી સોચને પણ બદલવી પડશે."