મુંબઈ: જાણીતી ટીવી સેલેબ્રિટી અને મોડેલ જગી જ્હોન કેરળના પાટનગર થિરૂવનંતપુરમમાં આવેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સોમવારે સાંજે તેનો મૃતદેહ તેના ઘરમાંથી જ મળી આવ્યો હતો. જગી જ્હોન અહીં તેની માતા સાથે રહેતી હતી. મૃતદેહ તેના ઘરના રસોડામાંથી મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થિરૂવનંતપુરમના કુરવન્કોનમ વિસ્તારમાં જગી જ્હોનનું ઘર આવેલું છે. જગીના એક મિત્રને સૌ પહેલા આ અંગેની જાણ થઈ હતી. ત્યાર બાદ તેણે ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે કહ્યું હતું કે, જગીના શરીર પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન જોવા મળ્યાં નહતાં. જેના માટે મોતનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ કેસમાં તપાસ કરી રહી છે. આ મામલે પંચનામું તેમજ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ જ જગીના મોતનું સાચું કારણ જાણવા મળશે.


જગી જ્હોન ટીવી પર પોતાનો કૂકરી શો જગીસ કૂકબૂક ચલાવતી હતી. આ ઉપરાંત તેણી બ્યૂટી અને પર્સનાલિટી શોઝમાં જજ તરીકે કામ કરતી હતી. એટલું જ નહીં જગી સારી ગાયિકા અને પ્રેરણાત્મક વક્તા પણ હતી.


આ ઉપરાંત જગી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ હતી. જગીએ રવિવારે અંતિમ પોસ્ટ લખી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, “May the tears you cried in 2019 water the seeds you’re planting for 2020.”


જગીને તેના એક મિત્રએ ફોન કર્યો હતો. જગીએ ફોન પર કોઈ જવાબ ન આપતાં તેણે તેના અને જગીના એક કોમન ડોક્ટર મિત્રને આ અંગેની જાણ કરી હતી. ડોક્ટર સોમવારે સાંજે જગીના ઘરે ગયો હતો. આ સમયે જગીનું ઘર અંદરથી બંધ હતું. ત્યાર બાદ મિત્રએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બારીમાંથી અંદર જોયું તો જગી તેના રસોડામાં નીચે પડી હતી.