જમ્મુ-કાશ્મીરને લઈને સરકારનો મોટો નિર્ણય, 7000 જવાનોને પાછા બોલાવ્યા
abpasmita.in | 25 Dec 2019 07:19 AM (IST)
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પછી, સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને ખીણમાં કેન્દ્ર સરકારે કેટલાક પ્રતિબંધો લાદ્યા હતા, જે હવે ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી સુરક્ષાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રાલયે અર્ધલશ્કરી દળોની 72 ટુકડીઓને હટાવવાનો આદેશ આપ્યો છે. કાશ્મીરથી 5 ઓગસ્ટથી કલમ 370 હટાવ્યા બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળને ઉતારવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પછી, સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને ખીણમાં કેન્દ્ર સરકારે કેટલાક પ્રતિબંધો લાદ્યા હતા, જે હવે ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી આ આદેશ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ કાશ્મીરમાં હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. સીઆરપીએફની 24 અને બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ અને સીએપીએફ દરેકની 12-12 ટુકડીઓને પાછી બોલાવવામાં આવશે. એટલે કે સાત હજારથી વધારે અર્ધસૈનિક દળ જમ્મુ-કાશ્મીરમાંથી પાછા બોલાવવામાં આવશે. મંગળવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના વિકાસ અને સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કે. ભલ્લા, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ જીસી મુર્મૂ, કેન્દ્ર શાસિત પ્રદેશ પર ગૃહ મંત્રાલયમાં વરિષ્ઠ સુરક્ષા સલાહકાર કે.વિજય કુમાર તથા અન્ય અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે પાંચમી ઓગસ્ટે આર્ટિકલ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ રાજ્યના દરજ્જાને પાછો લેવા માટે અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા બાદ કાશ્મીર ખીણમાં ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને હટાવી લેવામાં આવ્યા હતા. પ્રદેશના ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ફારુખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી સહિત ઘણા લોકોની અટકાયત કરવામાં આવી હતી.