મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન વિરૂદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અહેવાલ છે કે, સલમાન ખાનની સાથે તેના બોડીગાર્ડ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાવર વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, સલમાન ખાને તેની ગાડીમાંથી તેનો ફોન ઝુંટવી લીધો હતો. આ ફરિયાદ બાદ સલમાન ખાનના બોડીગાર્ડે મુંબઈ પોલીસમાં ક્રોસ એપ્લિકેશન નોંધાવી છે.



મીડિયા રિપોર્ટ મુજબ ફેને સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું કે જ્યારે સલમાન ખાન સાઇકલ ચલાવી રહ્યા હતા ત્યારે તેને સલમાન ખાનના બોડીગાર્ડથી વીડિયો બનાવવા માટે પરવાનગી માગી. તેની મંજૂરી બાદ તેઓ વીડિયો બનાવી રહ્યો હતો કે ત્યારે જ સલમાન ખાને આવીને તેનો ફોન છીનવી લીધો અને ત્યાંથી જતા રહ્યા. રિપોર્ટ મુજબ આ ફેન એક ખાનગી મીડિયા ચેનલમાં રિપોર્ટર છે.

રિપોર્ટ મુજબ ફરિયાદમાં સલમાન ખાન વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તો સલમાન ખાનના બૉડીગાર્ડે પણ સામે ફરિયાદ કરી છે. જેમાં સલમાન ખાનનો પીછો કરવાનો તથા પરવાનગી વગર વીડિયો શૂટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.