મુંબઈ: યૂરોપના હોલૈંડ, જર્મની, લેસ્ટર અને લંડન જેના 4 શહેરોમાં પોતાના શો કર્યા બાદ ભજન સમ્રાટ અનુપ જલોટા આજે સવારે 4 વાગ્યે લંડનથી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેમને સીધા જ મિરાજ હોટલ લઈ જવામાં આવ્યા છે. કોરોના વાયરસના ખતરાને જોતા હાલ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે હોટલના રૂમમાંથી ફોન કરી પોતે જ એબીપી ન્યૂઝને આ જાણકારી આપી હતી.



66 વર્ષના અનુપ જલોટોનાએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે વિમાનમાંથી ઉતર્યા બાદ જે મુસાફરોની ઉંમર 60 વર્ષ કરતા વધારે હતી તે તમામ મુસાફરોને એરપોર્ટ નજીક આવેલી મિરાજ નામની હોટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં કોરોના વાયરસના લક્ષણોના પરિક્ષણ માટે તમામને અલગ-અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે. અનુપ જલોટાએ જણાવ્યું કે ડૉક્ટરોની ટીમે હાલ તો તેમને બે દિવસ આઈસોલેશનમાં રાખવાની વાત કરી છે.

તેમણે જણાવ્યું કે બીએમસીના 25 ડૉક્ટરોની ટીમ ત્યાં હાજર છે અને હોટલમાં ખૂબ સારી રીતે તમામ લોકોની સંભાળ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું તેમની બાજુના રૂમમાં એક વૃદ્ધ કપલને અલગ-અલગ રાખવામાં આવ્યું છે.

અનુપ જલોટનાએ એ વાતનો પણ દાવો કર્યો કે દુનિયાભરમાં કોરોના વાયરસના ભય છતાં હોલૈંડમાં 7 માર્ચ, જર્મનીમાં 8 માર્ચ, લેસ્ટરમાં અને લંડનમાં 15 માર્ચે તેમના શોમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.