અમદાવાદઃ કોરોના વાયરસના કારણે રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવે દ્વારા પ્લેટફોર્મના ટિકિટના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પશ્ચિમ રેલવેના તમામ મોટો રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર મંગળવારથી 50 રૂપિયા કર દેવામાં આવ્યો છે.



પશ્ચિમ રેલવે મંડળના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખી મંગળવારથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વીરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી સહિત મોટા રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારો અસ્થાયી છે. રેલવે સ્ટેશનો પર લોકો કારણ વગર ભેગા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.



કોરોનાના ડરથી રેલવે મેનેજમેન્ટે તમામ ડિવિઝનમાં કોચને અંદરથી પૂરી રીતે સ્વચ્છ કરવાનો આદેશ આપ્યો છે. રેલવેએ તમામ કોચને લાઇઝોલ જેવા કીટનાશકોથી ચોખ્ખા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ઈએમયુ અને ડેમો કોચમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ટ્રેનના તમામ કોચમાં પૂરતી માત્રામાં લિક્વિડ સોપનો સ્ટોક રાખવા પણ જણાવ્યું છે.

આ ઉપરાંત રેલવે સ્ટેશનો પર બેંચ, વેટિંગ રૂમ, બુકિંગ ઓફિસ, રેલવે કોચ વગેરેને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. રેલવે કોલોનીઓમાં પણ સતર્કતા રાખવા જણાવ્યું છે.