મુંબઈ: ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ આગળ આવી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા સંજય દત્તે એક હજાર જરૂરિયાતમંદ પરિવારને ભોજન આપવાનો નિર્ણય કર્યો છે.

અભિનેતા સંજય દત્તે કહ્યું, આ સમયે દેશ મુશ્કેલીમાં છે. દરેક લોકો એકબીજાની મદદ કરી રહ્યું છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ તથા ઘરમાં રહેવાનો નિર્ણય લોકો બહાર ના આવે તે માટે લેવામાં આવ્યો છે. સંજય દત્તે સ્વૈચ્છિક સંસ્થા સાવરકર શેલ્ટર્સ સાથે મળીને લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે. સંજય દત્ત બોરિવલીથી બાંદ્રાની વચ્ચે રહેતા જરૂરિયાતમંદ પરિવારને ભોજન પૂરું પાડશે.

સંજય દત્તે કહ્યું હતું કે સાવરકાર શેલ્ટર્સ ઘણું જ સારું કામ કરી રહ્યું છે અને તે લોકોની દિવસ રાત મદદ કરે છે. આથી જ તેણે સાવરકર શેલ્ટર્સની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેને આશા છે કે એકબીજાની મદદ કરીને આપણે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જઈશું.

સાવરકર શેલ્ટર્સના ચેરમેન રૂપેશ સાવરકરે કહ્યું હતુ કે કોરોનાવાયરસની સામે લડવા માટે લોકો સાથે મળીને મદદ કરી રહ્યાં છે. અનેક લોકોને આ સમયે ભોજન મળતું નથી. સંજય દત્તે આ લોકોને મદદ કરવાનો નિર્ણય લીધો. તેમનો આ માનવીય પ્રયાસ અન્ય લોકોને પ્રેરણા આપશે.