મુંબઇઃ આમિર ખાનની ફિલ્મ દંગલ ફેમ એક્ટ્રેસ અને નેશનલ એવોર્ડ વિનર ઝાયરા વસીમ બોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસમાં સામેલ થઇ ગઇ હતી. ઝાયરા વસીમની ઓછા સમયમાં મોટી ફેન ફોલોઇંગ બની ગઇ હતી. ફિલ્મ દંગલ અને સીક્રેટ સુપરસ્ટારમાં ઝાયરાની શાનદાર એક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી પરંતુ હવે અચાનક ઝાયરાની એક્ટિંગ છોડવાની જાહેરાતને સૌને ચોંકાવી દીધા છે. ઝાયરા વસીમ દ્ધારા બોલિવૂડને અલવિદા કરવાને લઇને તમામ  સિતારાઓ સહિત તેના ફેન્સને પણ ઝટકો લાગ્યો છે.


તાજેતરમાં જ ઝાયરા વસીમે પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ઇમોશનલ પોસ્ટ કરીને બોલિવૂડને અલવિદા કરવાની જાહેરાત કરી છે. ઝાયરાએ આ પોસ્ટે તમામને ચોંકાવી દીધા છે. ઝાયરાએ પોસ્ટમાં લખ્યું કે, પાંચ વર્ષ અગાઉ તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તેના આ નિર્ણયે તેની લાઇફ બદલી દીધી. તેને જે પણ ઓળખ મળી છે તેનાથી તે ખુશ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડ્યા બાદ તેને લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. પરંતુ ઝાયરાનું માનવુ છે કે એક્ટ્રેસ બનવાના કારણે તે  પોતાના ઇસ્લામ ધર્મથી દૂર થઇ રહી હતી.

ઝાયરાએ કહ્યું કે, પાંચ વર્ષોથી તે કઇ રીતે પોતાની આત્માથી લડી રહી છે. લાંબા સમયથી તેને લાગી રહ્યું છે કે તે કાંઇ બીજુ બનવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેને અહેસાસ થઇ ગયો કે તેની નવા લાઇફસ્ટાઇલ, ફેમ અને કલ્ચરમાં તે પોતાને ફિટ તો કરી શકે છે પરંતુ તે આ પ્લેટફોર્મ માટે બની નથી. ઝાયરાને લાગે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝ સાથે જોડાવાના કારણે તે પોતાના ધર્મ ઇસ્લામથી દૂર થઇ રહી છે.