જમ્મુ: બમ બમ ભોલેના જય સાથે આ વર્ષની અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. યાત્રીઓની પ્રથમ ટૂકડી જમ્મુથી બાલટલ અને પહલગામ માટે સઘન સુરક્ષા સાથે રવાના થઈ ગઈ છે. આ યાત્રીઓ સોમવારે બાબા બર્ફાનીના દર્શન કરશે. આ વર્ષે અમરનાથ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલશે.

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી દેશભરમાંથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનારી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિલોમીટર લાંબા પારંપરાગત પહલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલટાલના રસ્તા પરથી થાય છે.


જમ્મુના મંડળના કમિશનર સંજીવ વર્માએ જણાવ્યું કે યાત્રાળુઓની સુવિધા અને યાત્રા દરમિયાન તેમની સુરક્ષા માટે સુરક્ષાની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.