નવી દિલ્હીઃ જેએનયૂ હિંસાનો ભોગ બનેલ વિદ્યાર્થીઓને મળવા આવેલ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જેએનયૂ કેમ્પસ ગઈ હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકો દીપિકાને લઈને તરફેણ અને વિરૂદ્ધમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેને દીપિકાની રાજનીતિ ગણાવી તો કેટલાક તેને ફિલ્મના પ્રમોશનની રીત ગણાવી રહ્યા છે.

દીપિકાએ જેએનયૂમાં થયેલ હુમલા પર કહ્યું કે, ‘આ જોઈને મને ગર્વ થાય છે કે પોતાની વાત કહેવાથી ડર નથી. એ જોઈને ખુશ છું કે લોકો સામે આવી રહ્યા છે અને કોઈપણ ડર વગર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.’ તેમણે કહ્યું કે, એ જરૂરી છે કે લોકો ચુપ ન રહે, ખુલીને પોતાના વિચાર વ્યક્ત કરે.

ટ્વિટર પર Boycott Chhapaak ટ્રેન્ડ ટૉપ કરી રહ્યો છે. ત્યારે દીપિકાનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રાહુલ ગાંધીના વખાણ કરતી જોવા મળી રહી છે.


નોંધનીય છે કે, આ વીડિયો ખૂબ જૂનો છે. જેમાં દીપિકા દૂરદર્શનના એક એંકરને ઇન્ટરવ્યૂ આપી રહી છે. વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવે છે કે તે કયા રાજનેતાથી સૌથી વધુ પ્રભાવિત છે. ત્યારે જવાબ આપતા દીપિકાએ કહ્યું કે, "હું રાજનીતિ વિષે વધુ નથી જાણતી પણ જે થોડું ઘણું જાણું અને જોઉં છું તે મુજબ રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે આપણા દેશના યુવાનો માટે ક્લાસિક ઉદાહરણ છે. અને ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન પણ બની શકે છે. આ પર એંકરે કહ્યું શું તમે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનતા જોવા માંગો છો? તેના પર દીપિકાએ કહ્યું કે હા બિલકુલ, તે યુવાઓ સાથે સારી રીતે કનેક્ટ થાય છે. તેમના વિચારો ટ્રેડિશનલ હોવાની સાથે ફ્યૂચરિસ્ટિક પણ છે. જે આપણા દેશ માટે ખૂબ જરૂરી છે.

આ પહેલા જેએનયૂ હિંસાના વિરોધ પ્રદર્શનમાં મંગળવારે દીપિકા પાદુકોણ પણ જોડાઇ હતી. અને તેમણે જેએનયૂની છાત્રસંઘ અધ્યક્ષ આઇશી ધોષની પણ મુલાકાત કરી હતી. દીપિકા પાદુકોણ અહીં લગભગ 10 મિનિટ માટે રોકાઇ હતી.

દીપિકાની જેએનયૂ મુલાકાત બાદ બીજેપી પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ દીપિકા પાદુકોણ પર આકાર પ્રહાર કર્યા હતા. અને ટ્વિટ કરીને લોકોને અપીલ કરી હતી કે તે દીપિકા પાદુકોણ કે જેણે ટુકડે ટુકડે અને અફઝલ ગેંગનું સમર્થન કર્યું છે. જેને આવનારી ફિલ્મોનો બહિષ્કાર કરે.