નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાા હેટર્સને જડબાતોડ  જવાબ આપવાની એક પણ તક નથી છોડતી. હવે સ્વરા ભાસ્કરના નિશાના પર ડ્રીમ ગર્લના ડાયરેક્ટર રાજ શાંડિલ્ય છે. એક્ટ્રેસે પોતાના જબરદસ્ત જવાબથી રાજ શાંડિલ્યની બોલતી બંધ કરી દીધી છે. સતત JNU વિવાદ પર પોતાનો પક્ષ રાખનાર સ્વરા ભાસ્કરને રાજ શાંડિલ્યએ ફેસપુક પોસ્ટ કરીને સસ્તી વસ્તુ ગણાવી હતી. જેના પર એક્ટ્રેસ ભડકી ગઈ.


રાજ શાંડિલ્યએ ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, ‘સસ્તી ચીજો પર ધ્યાન ન આપો. સ્વરા ભાસ્કરથી મોંઘુ દૈનિક ભાસ્કર વેચાય છે.’ જ્યારે આ પોસ્ટ પર સ્વરાનું ધ્યાન ગયું તો તેણે ડિરેક્ટરને આ પોસ્ટનો સ્ક્રિનશોટ ટ્વિટર પર શૅર કરતાં જડબાતોડ જવાબ લખ્યો હતો. એક્ટ્રેસે લખ્યું કે,’હવે પછી રોલ ઓફર કરવામાં અને તમારી ફિલ્મનું ટ્રેલર શૅર કરવાની વિનંતીના મેસેજ મોકલતા પહેલા તમે પણ સસ્તી હરકતો વિશે થોડું વિચારી લેજો ગુડ લક @writerraj સર!


સ્વરાની પોસ્ટ બાદ ડિરેક્ટર શાંડિલ્યની ખૂબ જ ટીકા થઈ હતી. ટીકાને જોતા રાજ શાંડિલ્યએ એક્ટ્રેસ પર કરેલી ટિપ્પણીની પોસ્ટ ડિલિટ કરવી પડી હતી. રાજ શાંડિલ્યએ પોસ્ટ ડિલીટ કર્યા પછી સ્વરાના ટ્વીટને રિટ્વીટ કરતા માફી માગી, જોકે, આ સાથે જ તેણે એક્ટ્રેસને સમજી-વિચારીને બોલવાની પણ સલાહ આપી.


ડિરેક્ટર રાજ શાંડિલ્યનો માફી માગવાનો અંદાજ સ્વરાને જરાપણ ન ગમ્યો અને તેણે ફરીથી રિએક્શન આપતા લખ્યું કે,’જો??? સસ્તી, બિકાઉ જેવી ઘૃણાસ્પદ વાતો પર એક નોર્મલ શાલીન વ્યક્તિને વાંધો તો થશે જ! અને સર બોલતા અને ટાઈપ કરતા પહેલા તમે નથી વિચારી રહ્યાં! અમે તો વિચારધારા અને તર્ક પર વિરોધ કરીએ છીએ, પર્સનલ તમે થઈ રહ્યાં છો. અને તમે અથવા હું કોઈના એક્ટર અથવા તો નાગરિક હોવા પર કયા હકથી વાંધો ઉઠાવી શકીએ છીએ?