ભોપાલ: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' મધ્ય પ્રદેશમાં રિલીઝ પહેલાં જ ટેક્સ ફ્રી જાહેર કરી દેવાઈ છે. મુખ્યમંત્રી કમલનાથે સોશિયલ મીડિયામાં આ અંગે ટ્વિટ કરી તેની માહિતી આપી હતી.


મુખ્યમંત્રી કમલનાથે ટ્વિટર પર કહ્યું, દીપિકા પાદૂકોણની એસિડ અટેક સર્વાઈવર પર બનેલી ફિલ્મ છપાક  10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરું છું. વધુમાં તેમણે કહ્યું હતું, આ ફિલ્મ સમાજમાં એસિડ પીડિત મહિલાઓને લઈને સકારાત્મક સંદેશ આપવાની સાથે સાથે તેમની પીડા, આત્મવિશ્વાસ, સંઘર્ષ, આશા તથા જીવન જીવવાની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં સમાજની વિચારધારા બદલવાનો સંદેશો આપવામાં આવ્યો છે.

ફિલ્મમાં દીપિકા તથા વિક્રાંત મેસી મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. બોલીવૂડના ઘણા કલાકારો પણ દીપિકાની ફિલ્મ 'છપાક'ના સમર્થનમાં આવ્યા છે અને ફેન્સને ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે રવિવારે જેએનયૂમાં રવિવારે થયેલી હિંસા બાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેના કારણે સોશિયલ મીડિયામાં કેટલાંક યુઝર્સ દીપિકાનો વિરોધ કરી રહ્યાં છે તો કેટલાંક દીપિકા પાદૂકોણને સપોર્ટ કરી રહ્યાં છે.