નવી દિલ્હી: બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) રોજ સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં.

ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરને દિલ્હીથી મુંબઈ આવવાની મંજૂરી મળી ગઈ છે. ડીસીપી આરપી મીણાએ જણાવ્યું કે રિદ્ધિમા સહિત પાંચ લોકોને મુંબઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. ઋષિ કપૂરના નિધનના સમાચાર મળતાં જ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે તરત જ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્સરની સારવાર કરાવીને ભારત પરત ફર્યાં હતાં.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઋષિ કપૂર પ્રતિભાના પાવરહાઉસ હતા, હું તેમના નિધનથી દુઃખી છું.

એક્ટર ઋષિ કપૂરની તબિયત બગડતા હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા. ઋષિ કપૂરએ આજે સવારે 8.45 કલાકે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું.