મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ)  રોજ સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

ઋષિ કપૂર રમતપ્રેમી હતા અને ભારતીય રમત ગમત સાથે સંકળાયેલા સમાચાર પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપતા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શન પર તે નજર રાખતા હતા અને પોતાનો અભિપ્રાય રાખતા હતા. ગત વર્ષે વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં ઋષભ પંતને સામેલ ન કરવા પર તેમણે કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ફટકાર લગાવી હતી. તેઓ હંમેશા ભારતીય ટીમની જીત પર ખુશી વ્યક્ત કરતા હતા.

ભારતીય સ્પોર્ટ્સ જગતે પણ ચિંટૂજીના નિધન પર શોક પ્રકટ કર્યો અને પરિવારને સાંત્વના આપી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, "ઋષિજીના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છું. હું તેમની ફિલ્મો જોઈને મોટો થયો અને જ્યારે પણ તેમને મળ્યો ત્યારે તેઓ પ્રેમથી સામે આવ્યા. તેમના આત્માને શાંતિ મળે."


ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, "આ અવિશ્વસનીય છે. કાલે ઈરફાન ખાન અને આજે ઋષિ કપૂર. આજે એક લેજેન્ડનું નિધન થઈ ગયું અને તે સ્વીકાર કરવું ખૂબ મુશ્કેલ છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના."


ભારતના દિગ્ગજ પહેલવાન અને બે વખતના ઓલંપિક મેડલિસ્ટ સુશીલ કુમારે ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું, ઋષિજીના નિધનથી ખૂબ દુઃખી છું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.


આ ઉપરાંત વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ, મોહમ્મદ કૈફ, હરભજન સિંહ, ચેતેશ્વર પુજારા, શિખર ધવન, મદન લાલ, મિથાલી રાજ સહિતના ક્રિકેટરો અને ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ તથા  સાક્ષી મલિકે ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી હતી.