નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલાવમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝએ રવિવારે મુંબઈના ફિલ્મ સીટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ સેલેબ્સે ગઈકાલે કાળો દિવસ મનાવ્યો અને બે કલાક સુધી કામ બંધ કર્યું હતું. આ દરમિયાન પોસ્ટ પ્રોડક્શન કાર્ય પણ બંધ રહ્યું.



બોલિવુડે પાકિસ્તાન સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને પાકિસ્તાની કોઈ પણ કલાકાર સાથે કામ ન કરવાની વાત કહી છે. અહેવાલ મુજબ ફિલ્મ મેકર અશોક પંડિતે કહ્યું કે, ‘આ વાતને સમજવી જરૂરી છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લાખો લોકો સુરક્ષા દળો અને સરકારની સાથે ઉભા છે.’ ઉપરાંત ફિલ્મી કલાકારોના સંગઠન આઈએફટીડીએ આ નિર્ણય કર્યો છે કે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવામાં આવશે નહીં.



નોંધનીય છે કે, ગઈકાલે આઈએફટીડીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી જેમાં લખ્યું હતું કે અમે સંકલ્પ લઈએ છીએ કે 40 જવાનોની શહાદતને બેકાર નહીં જવા દઈએ. પુલવામા આંતકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દિલ્હી, નોઈડા, ચંદીગઢ, જમ્મુ, અલ્હાબાદ અને લખનઉ સમેત દેશના તમામ શહેરોમાં પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. બધી બાજું પાકિસ્તાન અને આતંકવાદીઓથી બદલો લેવાની માગ કરવામાં આવી રહી છે.