મુંબઈ: 1994માં રિલીઝ થયેલી આમિર ખાન, સલમાન ખાની, રવીના ટંડન, કરિશ્મા કપૂર અને પરેશ રાવલ સ્ટારર કૉમેડી ફિલ્મ અંદાજ અપના અપનાના પ્રોડ્યૂસર વિનય કુમાર સિન્હાનું મુંબઈના બાંદ્રા સ્થિત હોલી ફેમિલી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા અને ખૂબ લાંબા સમયથી ગંભીર બિમારીઓનો સામનો કરી રહ્યા હતા.


વિનય કુમાર સિન્હાની દિકરી પ્રીતિ સિન્હાએ ફોન પર પોતાની પિતાના નિધનની પુષ્ટી કરતા કહ્યું કે તબિયત ખરાબ હોવાના કારણે તેમને છેલ્લા બે સપ્તાહથી હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમણે શુક્રવારે બપોરે 2.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે વિનય સિન્હાએ અંદાજ અપના અપના અને રફૂ ચક્કર જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. આ ઉપરાંત તેમણે કેટલાંક ટીવી શો પણ પ્રોડ્યૂસ કર્યાં હતાં. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહ્ટાએ ટ્વીટ કરીને કહ્યું હતું, ફિલ્મ ‘અંદાજ અપના અપના’ના પ્રોડ્યૂસર વિનય સિંહાનું થોડીક મિનિટ પહેલાં જ નિધન થયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

ગયા વર્ષે નવેમ્બરમાં સલમાન ખાન તથા આમિર ખાન સ્ટારર અંદાજ અપના અપનાને 25 વર્ષ પૂરા થયા હતાં. વિનય સિન્હાની દીકરી પ્રીતિએ આ ફિલ્મ બનાવવા બદલ પિતાનો આભાર માન્યો હતો.