નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેનની અડધી સદી બાદ સ્પિનર રવિ બિશ્નોઇ અને અથર્વ અંકોલેકરની શાનદાર બોલિંગથી ટીમ ઇન્ડિયા અંડર-19 વર્લ્ડકપની ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં ડકવર્થ લૂઇસ પદ્ધતિથી 44 રને જીત મેળવી ગ્રુપ એમાં ટોચના સ્થાન પર રહેતા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારત પોતાના ગ્રુપમાં  શ્રીલંકા અને જાપાનને હરાવ્યું હતું.  ભારત હવે 28 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે.


ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. ઇનિંગની 21 ઓવરમાં ટીમ ઇન્ડિયા એક પણ વિકેટ ગુમાવ્યા વિના 103 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ જ્યારે મેચ શરૂ થઇ ત્યારે મેચ 23-23 ઓવરની કરી દેવામાં આવી હતી.





ટીમ ઇન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે અણનમ 57 અને દિવ્યાંશે અણનમ 52 રનની ઇનિંગની મદદથી એક પણ વિકેટના નુકસાન વિના 115 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડની  ટીમને ડકવર્થ લૂઇસ પદ્ધતિથી જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યૂઝિલેન્ડે શાનદાર શરૂઆત કરી હતી અને બે વિકેટના નુકસાન પર 99 રન બનાવી લીધા હતા પરંતુ અંતિમ ઓવરમાં કીવી ટીમ 21 ઓવરમાં 147 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓપનિંગ બેટ્સમેન રિયાસ મારિયૂએ સૌથી વધુ 42 રન ફટકાર્યા હતા.