Filmfare Award 2024: ગુજરાતમાં માટે સૌથી મોટા અને આનંદના સમાચાર છે કે, આ વખતે ફિલ્મફેર એવોર્ડ સમારંભ ગુજરાતમાં યોજાઇ રહ્યો છે. આ વખતે પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ ગુજરાતના ગાંધીનગરમાં હૉસ્ટ થઇ રહ્યો છે, અને આ માટે મહેમાનો અને સેલેબ્સનો જમાવડો થવાનું શરૂ થઇ ચૂક્યુ છે, આજથી એરપોર્ટ પર સેલિબ્રિટીઓ આ 69માં ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યાં છે. ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઇ રહ્યો છે.


આ વખતે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 69માં ફિલ્મફેર ફેસ્ટિવલનો પ્રારંભ થઇ રહ્યો છે, અને આ વખતે ગુજરાતને તેનું હૉસ્ટિંગ કરવાનો મોકો મળ્યો છે. આ પ્રસંગને લઇને અત્યારથી જ ગિફ્ટ સિટીમાં બૉલીવૂડ સ્ટાર્સની જમાવટ શરૂ થઇ છે. અમદાવાદ એરપોર્ટ પર આજે કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને મૃણાલ ઠાકુર અહીં પહોંચ્યા છે, તેમનુ એરપોર્ટ પર સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.


આ ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં મૃણાલ ઠાકુર, કરિશ્મા કપૂર, કરણ જોહર, આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, કાર્તિક આર્યન, એશા ગુપ્તા સહિતના સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહેશે. આ ફિલ્મફેર ફેસ્ટિવલમાં સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, કરીના કપૂર ખાન, કાર્તિક આર્યન સ્ટેજ પર્ફોર્મન્સ આપશે.


આ પહેલા 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઈઝર થયુ હતુ. આમાં શાંતનુ અને નિખિલ કલેક્શનનો મેગા ફેશન શો યોજ્યો હતો. આ ફેશન શોમાં શો ટોપર્સ પણ જ્હાન્વી કપૂર છે, આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યૂઝિકલ નાઈટ યોજાશે.


રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની તર્જ પર, ફિલ્મફેર પુરસ્કારો 21 માર્ચ, 1954ના રોજ પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. તે સમયે, ટાઇમ્સ ગ્રુપના સંપાદક ક્લેર મેન્ડોન્કાના નામ પરથી તેનું નામ ક્લેર એવોર્ડ રાખવામાં આવ્યું હતું. પ્રથમ વખત આ એવોર્ડ વધુ પાંચ કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. આ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ એમ 5 કેટેગરીમાં અપાયો હતો. ફિલ્મ ‘દો બીઘા જમીન’ને પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. દિલીપ કુમારને ફિલ્મ 'દાગ' માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મીના કુમારીને ફિલ્મ 'બૈજુ બાવરા' માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. બૈજુ બાવરા માટે નૌશાદ અલીને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.  આ એવોર્ડ ફિલ્મ જગતમાં ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. 65મો ફિલ્મફેર એવોર્ડ 2020 માં યોજવામાં આવ્યો હતો. આ માટે આસામની રાજધાની ગુવાહાટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈની બહાર કોઈ એવોર્ડ સમારોહ યોજાયો હોય તેવી આ પ્રથમ ઘટના હતા.. આ વખતે ઈવેન્ટ જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે હોસ્ટ કરી હતી.