મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાદ રંઘાવા પર છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શાદની વિરૂદ્ધમાં મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. શાદ રંઘાવા રેસલર અને અભિનેતા દારા સિંહના ભત્રીજા અને વિંદુ દારા સિંહના પિતરાઈ ભાઈ છે. શાદ પોતે પણ અભિનેતા છે. શાદ રેસ્ટોરન્ટનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છે.

શાદ પર આરોપ છે કે તેને કફ પરેડ સ્થિત પોતાની રેસ્ટોરન્ટ Bayroute માટે વિદેશી દારૂના લાઈસેન્સ માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો છે. શાદ સામે રમાબાઈ અંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શાદ સામે તપાસ શરૂ કરી છે. શાદ વિરૂદ્ધમાં બે લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે.

પોલીસ તપાસ કરી રહી છે કે શું શાદ રંઘાવાએ દારૂનું લાઈસેન્સ મેળવવા માટે ટેનેન્ટ રિસ્પટ અને એનઓસી ખોટા બનાવ્યા હતા. જે તેણે સ્ટેટ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં જમા કરવ્યા છે.

ઉલ્લેખનીય છે કે શાદ રંઘાવાએ 2006માં વો લમ્હે ફિલ્મની બોલીવૂડમાં શરૂઆત કરી હતી. બાદમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ આવેલી ફિલ્મ મરજાવાંમાં શાદ મઝહરના રોલમાં જોવા મળ્યો હતો. શાદ 'આવારાપન', 'આશિકી 2','એક વિલન', 'હેટ સ્ટોરી 4', 'મસ્તીજાદે', 'સાંડ કી આંખ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.