ઈન્દોરઃ ટેલીવિઝન ક્વીન એકતા કપૂર સહિત ત્રણ લોકો પર અશ્લીલતા ફેલાવવાનો તથા રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના આરોપમાં ઈન્દોરમાં FIR નોંધવામાં આવી છે. એકતા કપૂર પર આ એફઆઈઆર ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર એક વેબ સીરિઝના પ્રસારણને લઈ નોંધવામાં આવી છે.

અન્નપૂર્ણા પોલીસ સ્ટેશનના પ્રભારી સતીશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે, આ એફઆઈઆર બાશિંદો વાલ્મીક સકરગાયે અને નીરજ યાગ્નિકની ફરિયાદ પર આઈપીસીની કમલ 294, 298 અને ભારતના રાજકીય પ્રતીક ચિન્હને લઈ નોંધવામાં આવી છે.


એકતા કપૂર પર આરોપ છે કે ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર પ્રસારિત વેબ સીરિઝ ટ્રિપલ એક્સની સીઝન 2 દ્વારા સમાજમાં અશ્લીલતા ફેલાવવામાં આવી છે અને એક સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. વેબ સીરિઝના એક દ્રશ્યમાં ભારતીય સેનાની વર્દીને ખૂબ જ આપત્તિનજક રીતે રજૂ કરીને રાષ્ટ્રીય પ્રતીક ચિન્હનું અપમાન કરવામાં આવ્યું છે. મામલાની વિસ્તૃત તપાસ શરૂ છે.

આ પહેલા કનફેડરેશન ઓફ એક્સ પેરામિલટ્રી ફોર્સ વેલફેયર એસોસિએશને આ અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી. એસોસિએશનના મહાસચિવ રણબીર સિંહે કહ્યું હતું કે, લાખો જવાનો આ રીતના ગેરજવાબદારી ફિલ્માંકનનો વિરોધ કરે છે. સીમા પર તૈનાત 24 લાખ સેના તથા અર્ધસૈનિક દળોના જવાનોની વર્દીની ગરિમા તથા પ્રતીકનું અપમાન છે.

બોલિવૂડલાઇફ ડોટ કોમમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, શહીદ કલ્યાણ ફાઉન્ડેશનના અધ્યક્ષ મેજર ટીસી રાવે કહ્યું કે, સેનાના જવાનો દેશ માટે બલિદાન આપે છે પરંતુ આ વેબ સીરિઝના નિર્માતા અને નિર્દેશકોએ સેનાના જવાન સીમા પર હોય ત્યારે તેમની પત્ની ઘરમાં અન્ય પુરુષો સાથે રંગરેલિયા મનાવતી હોય તેમ દર્શાવ્યું છે. જે ખૂબ જ આપત્તિજનક છે અને તે આપણા સૈનિકોનું મનોબળ ઘટાડી શકે છે.