મુંબઈઃ મુંબઈઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી શબાના આઝમી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલપુર ટોલનાક પાસે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના શનિવારે સાંજે 4 વાગ્યા આસપાસ બની હતી. શબાના જે કારમાં સવાર હતા તે કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં શબાના ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસના મતે, શબાનાનો ડ્રાઈવર કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતો હતો અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે શબાનાની તબિયત હવે એકદમ ઠીક છે.


મીડિયા સાથેની વાતચીતમાં જાવેદ અખ્તરે કહ્યું શબાનાના રવિવારે તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં. બધા જ ટેસ્ટ નોર્મલ છે અને કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન નથી. તેઓ હજી પણ ICUમાં છે પરંતુ ચિંતાનું કોઈ જ કારણ નથી. તેઓ હવે આઉટ ઓફ ડેન્જર છે અને તેમની તબિયત સારી છે.


શબાના આઝમીના ડ્રાઈવર અમલેશ કામત વિરુદ્ધ ખાલાપુરમાં ટ્રક ડ્રાઈવરે FIR કરી છે. તેણે કહ્યું હતું કે ડ્રાઈવર અમલેશ ઝડપથી કાર ચલાવતો હતો, જેને કારણે કાર પુના-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાઈ અને અકસ્માત થયો.

ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં શબાનાને માથા, ચહેરા તથા હાથમાં ઈજાઓ થઈ હતી. પહેલાં તેમને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં પરંતુ બ્રેનમાંથી બ્લીડિંગ ચાલુ રહેતા તેમને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હોસ્પિટલના સીઈઓ ડો. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે એક્ટ્રેસની તબિયત હાલ સ્થિરમાં છે.