ગુજરાતી સિંગર જાહ્નવી શ્રીમાંકરે ગાયેલું ગંગુબાઈ કાઠિયાવાડીનું ગીત ઢોલીડા ખૂબ લોકપ્રિય થયું છે. કોરસથી સુપર હિટ સોંગની સૂરીલી સફર એટલે જાહ્નવી શ્રીમાંકર. રણબીર કપૂર, સોનમ કપૂર, ઇસ્માઇલ દરબાર, ભૂમિ ત્રિવેદી, શરમીન સહેગલ, મિઝાન જાફરી આ તમામ બોલિવુડના કલાકાર-કસબીઓ છે. તેમની સાથે એક નામ કોમન છે અને તે છે સંજય લીલા ભણસાલી. કારણ કે આ તમામને સંજય લીલા ભણસાલીએ બોલિવુડમાં લોંચ કર્યા છે. હવે આ યાદીમાં એક નવું નામ જોડાઇ ગયું છે અને તે છે સિંગર જાહ્નવી શ્રીમાંકર.
હાલમાં જ રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ઢોલીડા ગીત ગજબનું લોકપ્રિય થયું છે. આ ગીત ગાયુ છે ગુજરાતી ગાયિકા જાહ્નવી શ્રીમાંકરે. મુંબઈમાં ઉછરેલા જાહ્નવી શ્રીમાંકર પોતાના અવાજ અને ગાયકી માટે જાણીતા છે. આ વર્સેટાઈલ સિંગરે ભજન, સુગમ સંગીત, ગઝલ, સેમી ક્લાસિકલ ગીતો અને ફોક સોંગ્સ પણ ગાય છે. પણ પહેલીવાર ભણસાલીએ તેમને સોલો સોંગ ગાવા માટે તક આપી અને પરિણામ તમારી સામે છે. જાહ્નવીએ કમાલની ગાયિકીથી ગીત સુપરહીટ ગયું છે અને ફિલ્મ પણ.
જાહ્નવીને આ ગીત ગાવાની તક કેવી રીતે મળી તેની કહાની પણ રસપ્રદ છે. ભણસાલી જ્યારે સાંવરિયા ફિલ્મનું મ્યુઝિક તૈયાર કરી રહ્યા હતા ત્યારે જાહ્નવીને બેકિંગ વોકલિસ્ટ એટલે કે કોરસમાં તક આપી. સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો તેમનો પહેલો અનુભવ હતો. તે સમયે જાહ્નવીની ટેલેંટને ભણસાલીએ ઓળખી લીધી હતી. આમ પણ એક સાચા ઝવેરીની જેમ તેમને હીરાની પરખ સારી છે.
જ્યારે તેમને લાગ્યું કે, ઢોલીડા ગીત માટે જાહ્નવી શ્રીમાંકરનો અવાજ સારો રહેશે, ત્યારે તેમણે જાહ્નવીને ફરીથી યાદ કરી અને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે ગીત ગવડાવ્યું. ભણસાલી આ ફિલ્મના સંગીતકાર પણ છે, એટલે કે ગીત તેમણે જ કંપોઝ કર્યું છે. ઢોલીડા ગીતનું રેકોર્ડિંગ ત્રણ-ચાર સેશનમાં પૂર્ણ કર્યું. જાહ્નવીએ નવી ફિલ્મ માટે તાજેતરમાં બે સોંગ રેકોર્ડ કર્યા છે, પણ આ ફિલ્મ કઇ છે તે કહેવું ખૂબ જ વહેલું હશે. ટૂંક સમયમાં તે અમેરિકા સહિત વિવિધ દેશોમાં પર્ફોર્મ કરવા જઇ રહ્યા છે.