નવી દિલ્હીઃ હોલિવૂડ એક્ટર અને પૂર્વ રેસલર ડ્વેન જ્હોનસન ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે. ભારતમાં તેના ફેન ફોલોઈંગની સંખ્યા ઘણી છે. બીજી બાજુ ડ્વેન જ્હોનસન પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ પસંદ કરે છે. આ વાત તેણે ખુદ સ્વીકારી છે. ઉપરાંત ડ્વેને જણાવ્યું કે, તે બોલિવૂડની ફિલ્મ પણ કરી શકે છે. ડ્વેન જ્હોનસન ધ રોકના નામથી પણ જાણીતા છે. તેમનું માનવું છે કે બોલિવૂડની એક્શન ફિલ્મમાં કામ કરવામાં મજા આવશે.


તેમની આગામી ફિલ્મ ‘જુમાનજી: ધ નેક્સ્ટ લેવલ’ નાં પ્રમોશન દરમિયાન જ્યારે અભિનેતાને બોલિવૂડની ફિલ્મોમાં તેમના કામ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “હું ત્યાં શાસન કરવા માંગતો નથી. હું બોલિવૂડ અને તેના ઇતિહાસનું બહુજ સન્માન કરૂ છું.”

હોલીવુડના સૌથી મોટા એક્શન સ્ટાર બોલિવૂડ એક્ટર વરૂણ ધવન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “તેઓ ખરેખર એક મોટા ચાહક છે. મેં તેમની સાથે સૌ પ્રથમ સોશિયલ મીડિયા પર વાત કરી હતી અને મને એ પણ ખબર છે કે તેઓ ભારતમાં ખૂબ જ મોટા સ્ટાર છે. ત્યારે એક દિવસ તમે મને બોલીવુડની કોઈપણ એક્શન ફિલ્મમાં જોઈ શકશો. તે ખૂબ જ મનોરંજક હશે, કારણ કે હું જાણું છું કે ભારતમાં અમારા ઘણા ચાહકો છે.”