Chandrika Tandon wins Grammy: ભારતીય-અમેરિકન ગાયિકા અને ઉદ્યોગસાહસિક ચંદ્રિકા ટંડને ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમને તેમના આલ્બમ 'ત્રિવેણી' માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચૈન્ટ આલ્બમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ચંદ્રિકા ગ્રેમી એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે. તેમણે આ પુરસ્કાર તેમના સહયોગીઓ - દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક Wouter Kellerman અને જાપાની વાયોલિનવાદક Eru Matsumoto સાથે શેર કર્યો છે.
કોણ છે ચંદ્રિકા ટંડન?
ચંદ્રિકા ટંડન એક ગ્લોબલ બિઝનેસ લીડર પણ છે. તે પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીની મોટી બહેન છે. તેમનો ઉછેર ચેન્નઇમાં થયો હતો અને તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમણે IIM અમદાવાદમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
એવોર્ડ જીત્યા પછી તેમણે રેકોર્ડિંગ એકેડેમીને કહ્યું, 'આ કેટેગરીમાં અમારી પાસે ખૂબ સારા નોમિનેશન હતા.' હકીકત એ છે કે અમે એવોર્ડ જીત્યો છે અને તે અમારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. અમારી સાથે જે મ્યૂઝિશિયન નોમિનેટ થયા હતા તેઓ તમામ શાનદાર છે. એવોર્ડ ફંક્શનમાં ચંદ્રિકા ટંડન એથનિક લૂકમાં પહોંચ્યા હતા. તેઓ પિંક કલરના હેવી સૂટમાં જોવા મળ્યા હતા. આમાં ચંદ્રિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચૈન્ટ આલ્બમ કેટેગર શ્રેણીમાં રિકી કેજનું Break of Dawn , રુઇચી સકામોટોનું Opus, અનુષ્કા શંકરનું Chapter II: How Dark It Is Before Dawn અને રાધિકા વેકારિયાનું વોરિયર્સ ઓફ લાઈટ નામાંકિત થયા હતા.
ગ્રેમી એવોર્ડ્સની વાત કરીએ તો અહીં સૌથી પ્રતિભાશાળી કલાકારો અને મોટા સંગીત હિટ્સને સેલિબ્રેટ કરવામાં આવે છે. 67મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસના Crypto.com એરેના ખાતે થઈ રહ્યું છે. આ એવોર્ડ સમારંભ રેકોર્ડિંગ એકેડેમી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ ફંક્શન ભારતમાં ડિઝની+ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.